ગુજરાતમાં ચોમાસાની પહેલી સિઝનનો સારો વરસાદ રહ્યો. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ ખાબક્યો. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. જો કે સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા. જુલાઈ મહિનામાં શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. હળવા વરસાદમાં પણ શહેરમાં વસ્ત્રાલ,નિકોલ,નરોડામાં પાણી ભરાઈ ગયા. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ના થતા આ વિસ્તારના રહીશો રોષે ભરાયા છે.
ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા લોકો નારાજ
શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલ, નરોડા કે વસ્ત્રાલ જેવા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે લોકો રોષે ભરાયા છે. કારણ કે પૂર્વમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર વાતો નહીં કામ કરીને બતાવે. વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોય તેમાંથી વાહનચાલકો અને રાહદારીઓએ મહામહેનતે પસાર થઈ રહ્યા છે. ચૂંટણી વખતે વોટ માંગવા આવતા નેતાઓ પણ અત્યારે આ બાજુ ફરકતા નથી. અને અધિકારીઓ અમારી રજૂઆત કાને ધરતા નથી. એક બાજુ વરસાદ અને બીજી બાજુ તંત્રની બેદરકારીથી અમે કંટાળી ગયા છીએ.
તંત્ર દ્વારા નક્કર કામગીરીની રજૂઆત
વરસાદે રાજ્યમાં સુરત, કચ્છ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમના જળસ્તર વધતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ગુરુકુળથી ભૂયંગદેવ જતા રસ્તામાં ખાડા અને ગાંબડા પડી ગયા. સ્થાનિકો દ્વારા ખાડાની કામગીરીને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. બિસ્માર રસ્તા, વિસ્તારોમાં પાણી અને હવે આગામી સમયમાં તહેવારો શરૂ થવાના છે. ત્યારે વિકાસની બાંગ પોકારતી સરકાર ક્યારે નકકર કામગીરી કરશે.