અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે બેંક ફ્રોડના ગંભીર કેસને લઈને એક સાથે ત્રણ ટેક્સટાઇલ કંપનીઓ પર દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જે કંપનીઓ પર EDએ સકંજો કસ્યો છે તેમાં શ્રી બાબા ટેક્સટાઇલ્સ, શ્રી ઓમ ટેક્સફેબ અને શ્રી લક્ષ્મી ફેબનો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓના માલિકો અને સંચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ED ની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અગાઉ નોંધાયેલા બેંક ફ્રોડના ગુનાને આધારે હાથ ધરવામાં આવી છે. આ દરોડાઓમાં નાણાંની હેરાફેરી અને ફ્રોડ સંબંધિત વધુ દસ્તાવેજો મેળવવાનો હેતુ છે.
બોગસ દસ્તાવેજોથી 10 કરોડની છેતરપિંડીનો કેસ
ED ની તપાસ મુજબ, આ કંપનીઓના સંચાલકોએ બેંકો સાથે બોગસ દસ્તાવેજો રજૂ કરીને લગભગ રૂપિયા 10 કરોડની છેતરપિંડી કરી હોવાનો ગંભીર આક્ષેપ છે. CBI દ્વારા આ બેંક ફ્રોડ મામલે ગુનો નોંધાયા બાદ હવે નાણાંની ગેરકાયદેસર હેરાફેરી (Money Laundering) ના પાસાંની તપાસ ED કરી રહ્યું છે. કંપનીઓએ કઈ રીતે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને આ છેતરપિંડીમાં અન્ય કોઈ બેંક અધિકારીઓ કે વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં EDની ટીમ સઘન તપાસ કરી રહી છે.













