ગુજરાત હાઇકોર્ટમાં આજે રોડની ખરાબ સ્થિતિ, રખડતાં ઢોરની સમસ્યા અને અનિયંત્રિત ટ્રાફિકના મુદ્દે એક મહત્વની સુનાવણી યોજાશે. આ જાહેરહિતની અરજીમાં કોર્ટે અગાઉ રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી જવાબ માંગ્યો હતો. આજે, સંબંધિત સત્તાધિશો કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરશે અને સમસ્યાના નિરાકરણ માટે અત્યાર સુધીમાં શું પગલાં લીધાં તેની વિગતો આપશે. ટ્રાફિકની ગંભીરતા અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને, આ સુનાવણીમાં કોર્ટ રાજ્યની આ મુખ્ય સમસ્યાઓ પર કેવી કડક ટિપ્પણીઓ કરે છે અને કયા આદેશો આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.
પોલીસ અને AMC કાર્યવાહીનો રિપોર્ટ કરશે રજૂ
કોર્ટમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પીડિંગ, આડેધડ પાર્કિંગ અને સિગ્નલ ભંગ જેવા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે લેવાયેલી કાર્યવાહીનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટમાં દંડની રકમ અને કેસની સંખ્યા જેવા આંકડાઓ સામેલ હશે. તે ઉપરાંત, AMC દ્વારા શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ પરના ગેરકાયદે દબાણો હટાવવા અને રખડતાં ઢોરને પકડવા માટે કરેલી કામગીરીનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે. કોર્ટ સત્તાવાળાઓની કામગીરીની સઘન સમીક્ષા કરશે અને જો કાર્યવાહીમાં કોઈ બેદરકારી જણાશે, તો કોર્ટ આકરા પગલાં લેવા માટે નિર્દેશ આપી શકે છે.













