અમદાવાદના વટવા ચાર માળિયા વિસ્તારમાં મહિલાના ઘરમાં થયેલા ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. જૂની અદાવતમાં હુમલો કરવા આવેલા આરોપીઓ એક વખત નાસી ગયા હતા, પરંતુ મહિલાના વીડિયો બાદ ફરી વખત આવ્યા અને મહિલાના ઘરમાં ફાયરિંગ કર્યું. ક્રાઈમ બ્રાંચે 5 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી છે. પાંચેક આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ ચાર જેટલા ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


મહિલા અને તેના પરિવાર દ્વારા આરોપીઓ પર બંગડીઓ પણ ફેંકી

આરોપીઓ ઈમરાન શેખ ઉર્ફે ગામડિયો, મહંમદ કલીમ ઉર્ફે ભૈયા અકબર ખાન પઠાણ, સદ્દામ સુલતાન ખાન પઠાણ, મુનાફ ઉર્ફે મોહમ્મદ ઈકબાલ છીપા, લઈક હુસેન અન્સારીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ઈમરાન શેખ ઉર્ફે ગામડિયો છે. આરોપીઓને 10 ઓગસ્ટના વહેલી સવારે વટવા ચાર માળિયામાં રહેતી સાહિસ્તા બાનુના ઘરે જઈને જૂની અદાવતને લઈને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા, 4 ખાલી કારતુસ 1 જીવતો કારતુસ અને ત્રણ તીક્ષ્ણ હથિયાર મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કર્યા બાદ જે મહિલાના ઘરે ફાયરિંગ કર્યું હતું ત્યાં લઈ જઈને ઘટનાની તપાસ કરી પંચનામું કર્યું હતું. જોકે પંચનામા સમયે મહિલા અને તેના પરિવાર દ્વારા આરોપીઓ પર બંગડીઓ પણ ફેંકી હતી.

આરોપીએ મહિલાના ઘરે જઈને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ઈમરાન સાબરમતી જેલમાં બંધ હતો અને 10 દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો છે. ઈમરાન જેને કારણે જેલમાં હતો તેની ફરિયાદ સાહિસ્તા બાનુ એ જ કરી હતી. જેનો બદલો લેવા માટે ઈમરાને 10 તારીખે જ ફરિયાદી સાહિસ્તા બાનુના ઘરે જઈને માથાકૂટ કરી હતી. જેથી તે સમયે ફરિયાદી સાહિસ્તા બાનુએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી જતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બન્યા પછી ફરિયાદી મહિલાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં આરોપીને ભગાડી મૂક્યા હોવાનો દાવો કર્યો હતો. જે વાતનો બદલો લેવાના ઈરાદે આરોપી ઈમરાન અને તેના સાગરીતોએ ફરીથી મહિલાના ઘરે જઈને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં કોઈ ઈજા થઈ ન હતી. જે ફાયરિંગની ઘટના મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે દિવસે આરોપીઓ મહિલા ઘરે ફાયરિંગ કરવા આવ્યા હતા. ત્યારે આરોપીઓને રસ્તામાં એક રાહદારી સાથે પણ માથાકૂટ કરી તેને માર માર્યો હતો. જેની અલગથી ફરિયાદ નારોલ પોલીસ મથકમાં નોંધાઈ છે.

રોપીઓ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા

પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. આરોપી ઈમરાનની સામે 10 ગુના નોંધાઈ ચૂક્યા છે અને 7 વાર પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, મહંમદ કલીમની સામે 34 ગુના નોંધાયા છે અને 8 વાર પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, આરોપી લઈક અન્સારીની સામે 12 ગુના નોંધાયા છે અને બે વાર પાછા હેઠળ અને એક વાર તડીપાર પણ કરવામાં આવ્યો છે, આરોપી સદ્દામની સામે 2 અને આરોપી મુનાફ સામે એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હાલ તો ક્રાઈમ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: