અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતાં એક મુસાફર પાસેથી સોનુ જપ્ત કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મુસાફર અબુધાબીથી અમદાવાદ આવી રહ્યો હતો. શંકાસ્પદ હિલચાલના આધારે કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુસાફરે સોનું પોતાના શરીરમાં છુપાવીને ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સોનાની બજાર કિંમત આશરે 5.01 લાખ રૂપિયા
વધુ તપાસ માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબી પ્રક્રિયા બાદ સોનું બહાર કાઢવામાં આવ્યું. અધિકારીઓએ અંદાજે 37.180 ગ્રામ સોનું કબ્જે કર્યું છે, જેની બજાર કિંમત આશરે 5.01 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. મુસાફરને તબીબી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોનાની હેરાફેરી રોકવા માટે એરપોર્ટ પર ચકાસણી વધુ કડક બનાવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.













