અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટોનું ફરી એકવાર સપાટી પર આવ્યું છે. અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેહવાડીમાંથી એક મહિલાની બનાવતી નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પાસેથી પોલીસને 500 રૂપિયાના દરની કુલ 27 નકલી નોટો મળી આવી છે.


SOG એ ફતેહવાડીમાંથી મહિલાની કરી ધરપકડ

મળતી જાણકારી મુજબ, SOG ને બાતમી મળી હતી કે, જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં એક મહિલા નકલી નોટોનું કૌભાંડ ચલાવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સમરાખાન પઠાણ નામની મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે જ્યારે તેની તલાશી લીધી ત્યારે તેની પાસેથી 500 રૂપિયાના દરની કુલ 27 નકલી નોટો મળી આવી હતી જેની કિંમત 13, 500 રૂપિયા થાય છે. પોલીસે સમરાખાન પઠાણની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

મહત્વનું છે કે, હવે પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ એ જાણવાનો છે કે, આ મહિલા આ નકલી નોટો ક્યાંથી અને કોની પાસેથી લાવી હતી. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર બજારમાં નકલી નોટોના ફેલાવા અંગે ચિંતા ઊભી કરી છે. પોલીસે નાગરિકોને પણ આવી નોટો અંગે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ નોટ મળે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.


  • Follow us on: