અમદાવાદના એરપોર્ટ નજીક રહેતા બે મિત્રો વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી, પરંતુ એક નજીવી બાબતે એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. ત્યારે કોણ છે આ મિત્રો અને કઈ વાત બની એક મિત્રની હત્યાનું કારણ. જોઈએ આ અહેવાલમાં.


મિત્ર રવિ ઉર્ફે ભીમાએ ગંદી કમેન્ટ કરી હતી

એરપોર્ટ પોલીસે કલ્પેશ વાઘેલા નામના યુવકની ધરપકડ કરી છે. આ યુવકે તેના જ મિત્ર રવિ ઉર્ફે ભીમા રાણાને મોતને ઘાટ ઉતારી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. વિગતાવાર વાત કરીએ તો એરપોર્ટ નજીક આવેલા ભીલવાસમાં આરોપી અને મૃતક બંને રહેતા હતા, બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. જોકે 11મી ઓગસ્ટના રાતના સમયે કલ્પેશ વાઘેલાની ફોઈની દિકરી વિસ્તારમાંથી પસાર થતી હતી, ત્યારે તેને જોઈને તેના મિત્ર રવિ ઉર્ફે ભીમાએ છેડતી કરી ગંદી કમેન્ટ કરી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને રાતના કલ્પેશ વાઘેલા લોખંડની પાઈપ લઈને રવિ ઉર્ફે ભીમાના ઘરે પહોંચ્યો અને તેના માથામાં ઉપરાછાપરી ઘા મારીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

કલ્પેશ વાઘેલા પોતાના મામાના ઘરે રહેતો હતો

એરપોર્ટ પોલીસે રવિ ઉર્ફે ભીમા રાણાના પિતા બાબુભાઈ રાણાની ફરિયાદ નોંધી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જે બાદ કલ્પેશ વાઘેલાની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કલ્પેશ વાઘેલાના પરિવારમાં માતા પિતા નથી, તે ભીલવાસમાં પોતાના મામાના ઘરે રહેતો હતો, રવિ ઉર્ફે ભીમા રાણા અવારનવાર તેની ફોઈની દિકરી બાબતે ચેનચાળા કરતો અને તે પસાર થતી હોય ત્યારે તેને જોઈને શાબ્દિક છેડતી કરતો હતો. આ બાબતને લઈને કલ્પેશ વાઘેલા અવારનવાર તેને ટોકતો પણ હતો, છતાં તે ન સુધરતા તેની હત્યા કરી હતી.

આ ઘટના બની તેના થોડા કલાકો પહેલા પણ રવિ ઉર્ફે ભીમા રાણાએ કલ્પેશ વાઘેલાની બહેનની છેડતી કરી હતી, જેના કારણે આવેશમાં આવીને કલ્પેશે આ ગુનાને અંજામ આપ્યો હતો. મૃતક રવિ ઉર્ફે ભીમા રાણા સામે અગાઉ દારૂ, મારામારી સહિતના 5 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે, તેવામાં પોલીસે આરોપીને પકડી વધુ પુછપરછ હાથ ધરી છે.

  • Follow us on: