પોલીસ વિભાગમાં બદલીનો પવન ફૂંકાયા બાદ હવે બાકી રહી ગયેલા IPS અધિકારીઓ પોસ્ટીંગ માટે રાહ જોઈ રહ્યા છે. જો કે ધીરજના ફળ મીઠા હોવાનું સિનિયર્સ આ કેસમાં માની રહ્યા છે. પોલીસ કમિશનરેટ વિસ્તારો વધારવાની વિચારણા વચ્ચે એક ઉચ્ચ લેવલની પોઝીશનમાં પણ જલ્દીથી ફેરફાર આવી રહ્યો હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે. આ બધા વચ્ચે અધિકારીઓના કુબેર એવા વહિવટદારોની આંખે અને નાકે બંને પાણી આવી ગયા છે. આવવાનું સ્વાભાવિક એટલે છે કે આજકાલ શહેરમાં જુગાર, દારૂ, કટીંગ, દેશી અને નાના મોટા વહિવટોને તાળા મારી દેવાનો આદેશ મજબુત રીતે છુટ્યો છે. પોલીસ પંચાતમાં વાંચો વહિવટદારોની મનોવ્યથા.


આનંદનગરમાં હરપાલ અને હરવિજયસિંહવને આનંદ જ આનંદ છે ભાઈ !

જેને વહિવટ ફાવી જાય અથવા તો ઉચ્ચ અધિકારીઓની નાડ પારખતા આવડી જાય તેમના માટે પછી નગર હોય કે વિસ્તાર આનંદ જ આનંદ થઈ જાય છે. આવા નસીબદારોમાં આજકાલ હરપાલ અને હરવિજય સિંહનું નામ જોરદાર ચર્ચાની ચગડોળે ચઢ્યું છે, જો કે તેની પાછળના કારણો તો આ બે સિવાય જેમની પાસે તેમની કુંડળી હોય તેને જ ખબર હોય. એક જ પોલીસ મથકવા નહિવટી ઘોડા પર વહિવટદારો સવાર હોય તો સમજી શકાય છે કે મામલો કેટલો મજબૂત હશે. આ પ્રકારની નોકરી માટે આશીર્વાદની જરૂર પણ પડે જ કેમકે નોકરી ટ્રાફિકમાં અને વહિવટો મોટા પોલીસ મથકોના સુલટાવવાના હોય તો નાની વાત નથી. આ બધા પાછળના ગણિત સમજાવવાની જરૂર નથી. વર્દી જ વર્દીને ઓળખે અને લોહી- લોહીને આગળ વધારે. બાકી તો ટ્રાફિકના કયા સ્તર પર આમની નોકરીની નોંધ પડતી હશે કે પછી જવાબદારીઓ નિભાવવાની નોંધ લેવાતી હશે તે પણ તો એક સવાલ છે.

દારૂ-જુગાર બંધ, અધિકારીઓના ખર્ચા અને ચા ના બિલો કઈ રીતે કાઢવા?

તમારા ઘરે મહેમાન આવે તો જવાબદારી જે નું ઘર છે તેની હોય છે પણ શહેરમાં અને શહેર બહાર ચાલતા પોલીસ મથકોમાં ક્યારેક અધિકારીઓ પોતાના મહેમાનોના જમવાના, ચા પીવડાવવાના, સારી રેસ્ટોરન્ટની ફ્રી મહેમાનગતિ, કાર્યક્રમોના પાસ, ગર્લફ્રેન્ડ હોય તો એના વહિવટ અલગ જેવી સ્થિતિ વહિવટદારો પર આવી પડતી હોય છે. આજકાલ ઉચ્ચસ્તરેથી આદેશ છુટ્યા બાદ શહેર વિસ્તારમાં દારૂ-જુગાર સહિતના ધંધા સાવ બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ બની છે. ચાલુ રાખનારા પર એજન્સીની નજર છે એટલે નવી બદલી પામેલા અધિકારીઓ સસ્પેન્ડ થવાની બીકે બધુ બંધ કરાવીને બેઠા છે. હવે વહિવટદારો કહી રહ્યા છે કે જે કમાયા એ તો શેરબજારની જેમ અહીંયા જ મુકીને જવા જેવું છે. આમા પાછા ઉઘરાણી ખોર તીનપાતીયાઓની જમાત તો અલગ ! હવે આ બધા વચ્ચે વહિવટદારોની તો આવી બની છે.

કાગડાપીઠ પોલીસે હર્ષ સંઘવીજીની સલાહને ગાંઠે બાંધવી જોઈએ ?

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીજીએ ગુનેગારો અને અસામાજીક તત્વો સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકોને રંજાડનારાઓનો હિસાબ કરી નાખો. પોલીસને ડંડો અસામાજીકોને સીધા કરવા આપ્યા છે સામાન્ય લોકોને બતાડવા માટે નથી. હવે કાગડાપીઠ પોલીસ મથકની સ્થિતિ એવી છે કે પહેલેથી જ ક્રાઈમ રેટથી લઈને ગુનેગારો પકડવા મુદ્દે કે પછી કોઈ લુખ્ખો ચોકી તોડી નાખવાની હદ પર આવી જાય જેવી સ્થિતિ અહીં સર્જાતી રહેતી હોય છે ત્યારે ગુનેગારોને પકડી પાડ્યા બાદ એવું તો શું થાય છે કે તેમના મનમાં અને મગજમાં પોલીસનો ડર નથી ! પોલીસ પાસે તમામની કુંડળી હોય જ છે તો આવા તત્વોને શાનમાં સમજાવીને સીધા દોર કરતા કોણ રોકે છે? પકડીને છોડી દેવા પડે તો પકડવાની જરૂર જ શું કામ છે તે સવાલ આજકાલ આ વિસ્તારમાં ચર્ચાના એરણે છે, જો કે બની શકે કાગડાપીઠ પોલીસ સારાઈ અને સુધારણાના ધોરણે આવું કરતી હોઈ શકે.

અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓના માથે કામનું ભરણ વધ્યું કે શું ? શહેરનો વિસ્તાર તો વધી જ રહ્યો છે

ગુજરાતમાં ટૂંક સમયમાં પોલીસ રેન્જ અને પોલીસ કમિશનરેટને લઈ મોટા ફેરફારો થવાના છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓના કામમાં પણ વધારો થશે, કેમકે નવા જુના વિસ્તારમાંથી અલગ થઈને એક નવુ પોલીસ સ્ટેશન પણ બની રહ્યું છે, અમદાવાદ શહેરમાં જે રીતે વસ્તી વધી રહી છે તેને જોઈને કાયદો અને વ્યવસ્થા પણ એટલી જ જળવાય તે પણ જરૂરી બન્યું છે, ત્યારે હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચાર મહાનગરોમાં જ પોલીસ કમિશનરની પોસ્ટ છે. આગામી સમયમાં રાજ્યમાં આઠ પોલીસ કમિશનર હશે તેવી વાત પણ સૂત્રો તરફથી સામે આવી રહી છે, જોકે હજી સત્તાવાર આ બાબતે કોઈ પરીપત્ર થયો નથી.

પશ્ચિમ ઝોનના એક DCP આશિષ ભાટીયાના રસ્તે?

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખનારા પશ્ચિમ ઝોનના એક DCP એ પીઆઈને આદેશ કર્યા છે કે ઝુપડપટ્ટી તપાસવાની શરૂઆત કરી દો. આરોપીઓ ગુનો કરીને ક્ચાંક આવી જગ્ચા પર તો સંતાઈ નથી જતા ને ? મારામારીથી લઈને ચિલઝડપ કે પછી ઘરફોડ ગુનાકોરી પર કાબુ મેળવવા માટે DCP એ લીઘેલા પગલા માટે એમ કહેવાય છે કે આશિષ ભાટીયા જ્યારે ભરૂચમાં પોસ્ટીંગમાં હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર તેમણે અંક્લેશ્વર અને ભરૂચમાં આ પદ્ધતિને અમલમાં મુકી હતી અને તેનો ફાયદો પણ સારો એવો મળ્યો હતો. હવે પી.આઈ કંટાળે કે કંટાળીને ઝુપડપટ્ટીની ધૂળ ખંખેરે પણ કરવાનું તો નક્કી જ થઈ ગયું છે. પી.આઈ એ તો ગુનાહિત માનસિક્તા ધરાવતા લોકોનું લીસ્ટ બનાવવાની પણ સુચના આપી છે. જોવાનું એ છે કે DCPની આ કામગીરી કેટલી રંગ લાવે છે? ભલે પીઆઈનો કલર ફિક્કો થઈ જાય

બ્લેક ફિલ્મ વાળી કાર તો સૌથી વધારે પોલીસ વિભાગમાં છે કોણ દુર કરશે ?

ગુજરાત શહેરમાં હાલ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનોને ઝડપી તેની પર કાર્યવાહી કરાઈ રહી છે, જે પણ વાહનો પર બ્લેક ફિલ્મ હોય તેને પોલીસ દૂર કરી રહી છે અને દંડ ફટકારી રહી છે, મહત્વની વાત તો એ છે કે, સાહેબ તમારા જ પોલીસના કેટલા ખાનગી વાહનો એવા છે કે તેમાં Z બ્લેક ફિલ્મ લાગેલી હોય છે અને નંબર પ્લેટ પણ હોતી નથી, તેવા પોલીસકર્મીઓ કે અધિકારીઓને દંડ ફટાકારાશે કે પછી સામાન્ય જનતાને જ આ નિયમો લાગુ થશે ? પોલીસ માટે પણ સ્પેશિયલ ડ્રાઈવ હોવી જોઈએ કે જયાં પોલીસની અવર-જવર વધુ હોય ત્યાં આ ડ્રાઈવ યોજીને બ્લેક ફિલ્મને દૂર કરવી જોઈએ જેથી સામાન્ય જનતાને પણ એવું થાય કે કાયદો બધા માટે સરખો છે.

  • Follow us on: