પોલીસ પંચાતમાં વિવિધ એપીસોડમા પોલીસની વિવિધ સક્રિય કામગીરીથી લઈ ક્યાં કાચુ કપાય તે ત્યાં સુધીનું મુદ્દાવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જે બાદ લખવામાં આવેલી ઘણી બધી વિગતો એવી છે કે જેના પર અસરકારક પગલા તો લેવાયા સાથે પોતાની જ મસ્તીમા મગન રહેલા દાદાઓને મૂછો વાળવાનો સમય પણ ન મળ્યો. પોલીસ પંચાતમાં અમે એ વિગતો બહાર લાવીએ છે કે જે વાચકોને ક્યારેય ખબર તો પડવાની જ નોહતી પણ જેને આ વિગતો પરથી બોધપાઠ લેવાનો છે તે તો કમસેકમ સુધરી જાય એવા પ્રયાસો રહે છે.


ચાંદખેડામાં વહિવટદાર નવીન કોના જોરે કુદકા મારે છે?

તાજેતરમાં LCB દ્વારા શહેરના ચાંદખેડા વિસ્તારમાં દારૂ મુદ્દે રેડ કરવામાં આવી હતી અને મુદ્દામાલ પણ ઝડપાયો હતો. પોતાના નાક નીચે જ કોઈ બીજી ટીમ કામગીરી મુદ્દે નાક કાપી જાય છે અને સ્થાનિક પોલીસ મથકમાં નવીન નામ ધરાવતો કોઈ કર્મી પોતાની ફાંકા ફોજદારી છોડતો નથી. આ પોલીસ મથકમાં ચર્ચાતી વાતો એમ કહે છે કે, નવીન જેમ કહે છે તેમજ થાય છે અને વહિવટની સારી સમજ રાખતો નવીન જો કે કામગીરી મુદ્દે પોતાની જુની છાપ છોડી ચુક્યો છે. નવીનનો અગાઉ બે પોલીસ સ્ટેશનમાં DO પણ થયેલો છે અને તે K કંપનીમાં પણ ફરજ બજાવી ચૂકયો છે છતા પણ ચાંદખેડા પોલીસ મથક માટે આ ઘેલુ કયા મુદ્દે છે તે જાણવું જરૂરી છે. આ નવા નક્કોર બાંધકામો, દારૂ-જુગારના અડ્ડા, પરમિશન કે પછી ચાલતા ખુલ્લેઆમ સ્પાની બંધબારણાની ભાગીદારી તો જવાબદાર નથી ને ? જો કે વાત તો એ પણ છે કે બદલીની અસર આ તરફ થઈ નથી અને ઉપરથી ઉચ્ચ અધિકારીના ઘરનાંજ આશીર્વાદ પણ તો ફળે ને હવે તો પછી નવીન ખુંટા પર કુદે જ સ્વાભાવિક છે.

મોટા ભાગના PI ની બદલી આવી પણ એક ઉચ્ચ એજન્સી હજી પણ ઈન્ચાર્જ PIથી ચાલે છે

અમદાવાદમાં એક સાથે ઘણા પીઆઈની બદલી આવી ગઈ છે, પરંતુ એક એજન્સી એવી છે કે, જેમાં પીઆઈને મૂકવામાં આવ્યા નથી અને ઈન્ચાર્જ પીઆઈ તરીકે એજન્સી ચાલી રહી છે, આ એજન્સીમાં કામ કરવા માટે ઘણા પીઆઈઓનું સ્વપ્ન હોય છે પરંતુ ઉચ્ચ અધિકારીએ એ એજન્સીમાં પીઆઈ મૂકયા જ નહી અને ઈન્ચાર્જ તરીકે એજન્સી ચાલી રહી છે, અમદાવાદ શહેરમાં ઘણા સારા અને હોશિયાર પીઆઈ છે કે જેઓ સાઈડ લાઈન પર છે, તો પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડયું છે કે, એક સાથે આટલા પીઆઈની બદલી આવી છે તો, આ એજન્સીમાં કેમ પીઆઈ હજી પણ ચાર્જમાં છે.

મોટી મૂછો, પતલો બાંધો અને નંબર પ્લેટ વગરનું બાઈક લઈને વિસ્તારમાં નજર રાખનાર હેડ કોન્સ્ટેબલથી અન્ય પોલીસ કંટાળી

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જુગાર અને દેશી દારૂના વેચાણને લઈ ઉચ્ચ અધિકારીએ લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં જીઈબીમાં બદલી કરીને જનાર હેડ કોન્સ્ટેબલથી એક ઝોનમાં ઘણા પીઆઈ અને પોલીસ કર્મીઓ કંટાળી ગયા છે, આ હેડ કોન્સ્ટેબલની નોકરી અમદાવાદ ગ્રામ્યમાં જીઈબીમાં છે પણ તેના આખી રાતના આંટાફેરા અમદાવાદ શહેરના એક ઝોનમાં રહેતા હોય છે અને આંટાફેરાથી તે થાકતો પણ નથી, ત્યારે એક ઉચ્ચ એજન્સીએ તેને દેશી દારૂની રેડ કરવાની જવાબદારી સોંપી હોય તેમ તે ફરી રહ્યો છે અને કંઈક મલાઈ મળે તેની રાહમાં તે ફરી રહ્યો છે, હવે તેને કોણ સમજાવે કે ભાઈ તમારી નોકરી અમદાવાદ ગ્રામ્ય જીઈબી પોલીસમાં છે તો અમદાવાદ શહેર પોલીસમાં કેમ કઈક મળે તેને લઈ આંટાફેરા મારી રહ્યો છે? આને લઈને જ ઝોનના ઘણા પીઆઈ પણ આ કોન્સ્ટેબલથી કંટાળી ગયા છે.

31ની પીઆઈની બદલી કરાઈ, અમુક PIનું રાજકીય જોર કામ ના લાગ્યું

અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે મોટાભાગના પીઆઈની આંતરિક બદલી કરી હતી, ત્યારે આ બદલી થતાની સાથે જ ઘણા પીઆઈઓમાં નારાજગી વ્યાપી છે, પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડયું છે, ઘણા પીઆઈએ રાજકીય લોબિંગ શરૂ કર્યુ હતુ પરંતુ તેમની મહેનત કામે લાગી નહી, ઉચ્ચ અધિકારીએ એવા પીઆઈની બદલી કરી કે જે પીઆઈ ખરેખર મહેનતું છે, ઘણા પીઆઈએ અંદરો-અંદર ચર્ચા કરી કે આપણે તો હતા ત્યાં ને ત્યાં જ છીએ આપણું હવે કંઈ થાય એમ નથી, ત્યારે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, હવે બદલીઓ આવશે તો દિવાળી પછી આવશે ત્યાં સુધી જે પોલીસ સ્ટેશનમાં છો તેમાં જ મહેનત કર્યા કરો.

નવા PIના વહિવટ લેવા માટે જુના વહિવટદારોમાં દોડધામ મચી

સ્વાભાવિક છે કે, પીઆઈની જયારે બદલી આવે છે ત્યારે વહિવટદાર પણ બદલાઈ જતા હોય છે, ઘણા પીઆઈના વહિવટદાર વર્ષોથી એક જ પીઆઈનો વહિવટ કરતા આવ્યા છે, ત્યારે એક સાથે ઘણા પીઆઈની બદલી થઈ જતા મોટા વહિવટદારો પણ મૂંઝાયા છે અને જૂના પીઆઈને કહી રહ્યાં છે કે, સાહેબ નવા પીઆઈને કહેતા જજો કે અમને વહિવટ આપે, ત્યારે પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, જુના વહિવટદારોનો વહિવટ ના જાય માટે ઉચ્ચ અધિકારીઓ પણ નવા પીઆઈને ભલામણ કરી રહ્યાં છે, ત્યારે જુના વહિવટદારોને વહિવટ મળે છે કે પછી નવા પીઆઈ કોઈ અન્ય વહિવટદારને વહિવટ આપે છે તે ચર્ચાએ હાલમાં અમદાવાદ પોલીસમાં જોર પકડયું છે.


  • Follow us on: