અમદાવાદ શહેરમાં ગુનાઓ અને માથુ ઉંચકી રહેલા ગુનેગારોએ પોલીસને પાછો પડકાર આપવાનો શરૂ કર્યો છે. ઉપરાછાપરી હત્ચા કે પછી UP બિહાર સ્ટાઈલથી બની રહેલી ઘટનાઓના પગલે શહેર પોલીસ સહિત ગૃહવિભાગના ભવા ખેંચાયા છે. આજ પોલીસે શહેરને સેફ સીટીનો દરજ્જો પણ અપાવ્યો છે ત્યારે આ ખિતાબને જાળવી રાખવા ખાખીએ દિવસ રાત એક કરવા પડશે એ નક્કી છે. આ બધા વચ્ચે હવે વહિવટદારોની એક નવી જ સમસ્યા જ છે. ગુનાઓ વચ્ચે શહેરમાં અધિકારીઓએ લાદી દીધેલી દારૂબંધી અને નાની મોટી બદીઓ પર શટર પડી જતા નવા નવા વહિવટના પોટલા લઈને ફરનારાઓ ઘરના કાઢતા થાકતા નથી.
પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં પેટા વહિવટદારે તોડ કરતા PI વિફર્યા !
અમદાવાદ પશ્ચિમમાં આવેલું એક પોલીસ સ્ટેશન કે જે નદી કિનારાની નજીક આવેલું છે, ત્યાં વહિવટદારે વહિવટ માટે પેટા વહિવટદારને રાખ્યા છે, ત્યારે બન્ને વહિવટદારો જોડે રહીને તોડ કરતા હતા અને આ વાતની પીઆઈને જયારે જાણ થઈ ત્યારે તેમણે મુખ્ય વહિવટદારને બોલાવી ખખડાવ્યા હતા, મહત્વનું છે કે, મુખ્ય વહિવટદારે પેટા વહિવટદાર સાથે બાંહેધારી લીધી હતી કે તે લોકો અલગ-અલગ તોડ કરશે નહી અને આ વાત સાંભળી પીઆઈ હસી પડયા હતા, અને પેટા વહિવટદારોએ ફરી વહિવટમાં ધૂમ બોલાવી હોવાની વાત પોલીસ બેડામાં ચાલી રહી છે.
અમદાવાદ પોલીસના આઉટ સોર્સના ડ્રાઈવરોનો પગાર હજી પણ હવામાં ?
અમદાવાદ શહેરમાં આઉટ સોર્સના ડ્રાઈવરની નિમણૂંક કરવામાં આવી છે અને તે ડ્રાઈવર પોલીસ સ્ટેશનના પીઆઈને લેવા મૂકવા જવાનું પણ કામ કરતા હોય છે અને નાના મોટા પોલીસ સ્ટેશનના કામ કરતા હોય છે, આ ડ્રાઈવરની નિમણૂંક પોલીસના એમટી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાનગી 3 એજન્સીને આ ડ્રાઈવરના પગાર ચૂકવણીની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી છે કે, આ એજન્સી સમય પ્રમાણે આઉટ સોર્સના ડ્રાઈવરને પગાર ચૂકવતી નથી જેના કારણે હો હા થઈ ગઈ છે, એક મહિનાનો પગાર આવે તો બાકીના બે મહિનાનો પગાર ના આવે અને પગારમાં ધાંધિયા થઈ રહ્યાં છે, એજન્સીને એટલું જ કહેવું છે કે, જેમ તમારે પણ રૂપિયાની જરૂર હોય છે તેમ નાના માણસોને પણ રૂપિયાની જરૂર હોય છે અને સામાન્ય પગારમાં નાના ડ્રાઈવરનું ઘર ચાલતું હોય છે. આશા છે કે હવે આ મુદ્દે જલ્દીથી બાકી પગાર પણ એજન્સી કરી આપશે.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્વચ્છતાને લઈ ઉપાડયું બીડુ
સ્વચ્છતા અભિયાનને લઈ સરકાર પણ અલગ-અલગ કાર્યક્રમો યોજતી હોય છે અને તેમાં લોકો ભાગીદાર થતા હોય છે, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આવેલા નવા પીઆઈએ એવું કામ કર્યુ કે પોલીસ તેમના વખાણ કરી રહી છે, પોલીસ સ્ટેશનમાં રહેલો કચરો એક સાથે 10 ટ્રક ભરીને દૂર કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનને સ્વચ્છ કરી નાખ્યું છે, પીઆઈએ પોલીસ સ્ટેશનમાં રહેલા સ્ટાફને પણ સૂચના આપી છે કે જે લોકો પાન-મસાલા ખાઈને પોલીસ સ્ટેશનમાં પીચકારી મારશે તેને દંડ કરવામાં આવશે, તો ગૌમાસને લઈને પણ આ પીઆઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કર્યા છે.
ટ્રાફિકની સમસ્યા તો શહેરમાં છે પણ આ શટલ રીક્ષાના ચાલકો સામે પોલીસ કેમ મૌન કામગીરી કરી રહી છે !
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા તો વધી રહી છે, સાથે સાથે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં શટલિયાઓનો ત્રાસ વધી રહ્યો છે, પોલીસ અન્ય ડ્રાઈવ કરીને પોતાની પીઠ થાબડી રહી છે પણ રિક્ષામાંથી પગ કાઢીને સાઈડ બતાવતા અને ઝીગઝેગ ડ્રાઈવીંગ કરનારા શટલિયાઓને હાથોહાથ બક્ષી દેનારા કર્મીઓએ જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરમાં મોટા ચાર રસ્તાઓ પર શટલના ચાલકો ઉભા હોય છે અને તે લોકો બિંદાસ રીતે એક રીક્ષામાં પાંચથી સાત લોકોને ભરીને લઈ જાય છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પણ શટલ ચાલકો સામે ડ્રાઈવ કરે તે જરૂરી છે