અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ લિકર પરમીટના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સિનિયર ક્લાર્ક કરનસિંહ વાઘેલાને ફરજ મોકૂફ કરી દીધા છે. કરનસિંહનું હેડકવાર્ટર હવે જામનગર રહેશે.
એક અઠવાડિયા સુધી કમિટીની તપાસ ચાલશે
અમદાવાદ સિવિલમાં લીકર પરમીટ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. એડમિન જયંત સોલંકીને કામગીરીમાંથી હાટાવાયા છે. પરમીટની કામગીરી હાલમાં સ્થગિત કરવામાં આવી છે. એક અઠવાડિયા સુધી કમિટીની તપાસ ચાલશે. ત્યાં સુધી માત્ર અરજી સ્વીકારાશે. છેલ્લા બે વર્ષના ડેટાની તબક્કાવાર તપાસ કરાશે. પોલીસે પણ વર્ષ 2025-26ના ડેટાની તપાસ માટે માગ કરી છે. જ્યારે તંત્ર દ્વારા માત્ર ત્રણેક મહિનાનો ડેટા પોલીસને આપવામાં આવ્યો હતો.













