અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં ડિલિવરી માટે આવેલા પાર્સલની ચોરીના કેસમાં ખાડિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ મોજશોખ કરવા માટે લાખોની કિંમતના ડિલિવરી માટેના પાર્સલ ચોરી કર્યા હતા. પોલીસે આરોપી મોહમ્મદ શબ્બાર મન્સૂરીની ધરપકડ કરી છે. જેની લાખોની કિંમતના મોબાઈલના પાર્સલ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
49 લાખના 164 મોબાઇલ સહિત 171 પાર્સલ ચોર્યા હતા
આ આરોપીએ 49 લાખની કિંમતના 164 મોબાઈલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કરી હતી. સેટેલાઈટમાં એમેઝોન ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળતા વ્યક્તિએ ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને તેમના વિસ્તારમાં ડિલિવરીની કામગીરી સોંપી હતી. 14 જુલાઈના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં 171 જેટલા પાર્સલ ગોળલીમડા લાવવામાં આવ્યા હતા. જોકે આ પાર્સલોની ડીલીવરી ગ્રાહકોને ન થતા ગ્રાહકોએ હેડઓફિસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ સલીમ મન્સુરીના વેર હાઉસમાં તપાસ કરતા હકીકત સામે આવી કે તેમના ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતા મોહમ્મદ મન્સુરી પાર્સલ લઈને નીકળ્યો હતો. જે ત્યારબાદ કોઈ સંપર્ક થયો નહોતો.
આરોપી ગોવા, મહારાષ્ટ્ર, કેરળ સહિતની જગ્યાએ ફર્યો
ડિલિવરી બોય તરીકે કામ કરતાં મોહમ્મદ મન્સુરીના આસ્ટોડીયા સ્થિત મકાન પર તપાસ કરતા ત્યાંથી 114 મોબાઈલના પાર્સલ મળી આવ્યા હતા અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરાઈ હતી. બાકીના પાર્સલ અંગે આરોપીને પૂછતા તેણે ચોરી કરેલા મોબાઈલના પાર્સલમાંથી 50 મોબાઈલ ફોન સસ્તા ભાવે વેચી દીધા હોવાની કબૂલત કરી હતી અને મોબાઈલ વેચ્યા બાદ જે રૂપિયા મળ્યા હતા, તેનાથી આરોપી મોજશોખ કરવા માટે ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ સહિતની જગ્યાઓ પર ફર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે મોબાઈલ ક્યાં અને કોને વેચ્યા છે તેની માહિતી મેળવી મુદ્દામાલ કબ્જે કરવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ સાથે જ આ ચોરી કરવા માટે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.