અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી ચલણની હેરાફેરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગે ચેકિંગ દરમિયાન એક મુસાફરની બેગમાંથી રૂપિયા 50.62 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલી કરન્સીમાં 30 હજાર યુરો (Euro) અને 22,500 યુએસ ડોલર (US Dollar) નો સમાવેશ થાય છે. આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ મળી આવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
કાળી ટેપમાં છુપાવી કસ્ટમથી બચવાનો પ્રયાસ
કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિદેશી ચલણી નોટોને ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવવામાં આવી હતી. મુસાફરે કસ્ટમ અધિકારીઓની નજરથી બચવા માટે આ નોટોને કાળી ટેપમાં વ્યવસ્થિત રીતે બાંધીને પોતાની બેગમાં એવી રીતે છુપાવી હતી કે સામાન્ય ચેકિંગમાં તે પકડાય નહીં. જોકે, કસ્ટમ વિભાગની ચાંપતી નજર અને અત્યાધુનિક સ્કેનિંગ મશીનરીને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. પકડાયેલો મુસાફર વિદેશી ચલણ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.













