અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે.કોઠારી હોસ્પિટલ પાસે એક નિર્દોષ નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.એરપોર્ટ પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ CCTV ફૂટેજના આધારે બાળકને તરછોડનાર જનેતાની ધરપકડ કરી લીધી છે.
અગાઉના પતિથી બે બાળકો પણ છે
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું અને તપાસનો ધમધમાટ તેજ કર્યો.આસપાસના CCTV ફૂટેજ તપાસતા પોલીસને એક શંકાસ્પદ મહિલા બાળકને મૂકીને જતી જોવા મળી હતી.આ ફૂટેજની કડી પોલીસને સીધી સિવિલ હોસ્પિટલ સુધી દોરી ગઈ હતી.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.બાળકને ત્યજી દેનાર મહિલાનું નામ દીપા સાધનાની છે, જેણે ગત 11 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલમાં જ આ બાળકને જન્મ આપ્યો હતો.17 માર્ચના રોજ તેને ડિસ્ચાર્જ મળ્યો અને તે જ રાત્રે તેણે પોતાના કાળજાના કટકાને રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો.દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને અગાઉના પતિથી બે બાળકો પણ છે.













