અમદાવાદના નારણપુરા ખાતે આવેલી સ્વાસ્થ્ય ડાયાબિટીસ હોસ્પિટલની મેડિકલમાં થયેલી ચોરી મામલે પોલીસે મેડિકલના કર્મચારી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચોરીનો મોટાભાગનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. પરંતુ પોલીસ એ વાત જાણીને ચોંકી ઉઠી કે 19થી 22 વર્ષના આ નવયુવાનો કોઈ પણ કારણ વગર ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓ 3,17,000થી વધુની રોકડની ચોરી કરી ફરાર થયા
અમદાવાદના નારણપુરા પોલીસે ચાર આરોપીઓ અયાઝ ઉર્ફે હિમેશ શેખ, અયાન ઉર્ફે રાજવીર શેખ, પિયુષ પરમાર અને ઋત્વિક ડાભીને હાલમાં કસ્ટડીમાં રાખ્યા છે. આ તમામ આરોપીઓએ અન્ય એક ફરાર સહ આરોપી સહદેવ પરમાર સાથે મળી નારણપુરા ખાતે આવેલી હોસ્પિટલની મેડિકલમાં ચોરીને અંજામ આપ્યો હતો. હોસ્પિટલની સ્લાઈડર બારી ખોલીને મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરી આરોપીઓ ગુનાને અંજામ આપી 3,17,000થી વધુની રોકડની ચોરી કરી ફરાર થયા હતા. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેન્સના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી અન્ય એક ફરાર આરોપી સહદેવની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.46 લાખથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.













