સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે એક શરમજનક ઘટના બની હતી. જેમાં એક વિકૃત શખ્સે મંદિરના પરિસરમાં જ એક યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ શખ્સને ત્યાં હાજર રહેલા જાગૃત લોકોએ રંગે હાથ પકડી પાડ્યો હતો અને તેને જાહેરમાં બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના અંબાજી મંદિરના લગેજ કાઉન્ટર પાસે આવેલા દર્શન પથમાં બની હતી. એક યુવતી મંદિરે દર્શનાર્થે આવી હતી અને દર્શન પથમાં ઊભી હતી.


અંબાજી મંદિર લગેજ કાઉન્ટર પાસેનો બનાવ

આ દરમિયાન એક વિકૃત શખ્સે યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમ પાડતા અને તેની સાથે દુર્વ્યવહાર થતો જોઈને ત્યાં હાજર અન્ય ભક્તો અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ આ વિકૃત શખ્સને પકડી લીધો હતો અને તેને જાહેરમાં ધોલાઈ કરી હતી. લોકોએ આરોપીને સબક શીખવાડ્યો હતો અને તેની પાસે માફી પણ મંગાવી હતી. આ બનાવ બાદ લોકોએ યુવકને વધુ માર માર્યા વગર પોલીસને સોંપવા માટે મંદિર ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ મારફતે પોલીસ મથકે લઈ ગયા હતા.

આરોપીને પકડીને પોલીસ મથકે લઈ જવાયો

આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ધાર્મિક સ્થળ પર આ પ્રકારે શ્રદ્ધાળુઓની છેડતી કરીને માહોલ બગાડતા આવારા તત્વો સામે પોલીસે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી અન્ય શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત અનુભવી શકે.


  • Follow us on: