દાંતામાં એક કરુણ ઘટના સામે આવી છે. જ્યાં અંબાજી નજીકના જંબેરા ગામે એક યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં આ વિસ્તારમાં આ બીજી એવી ઘટના છે જેમાં મહિલાનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો છે. મૃતક યુવતી આદિવાસી સમાજની છે અને તેની ઉંમર 19 વર્ષ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


જંબેરા ગામે યુવતીની ગળે ફાંસો ખાધેલી લાશ મળી

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ યુવતીએ ઘરકંકાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ મામલે વધુ ચોંકાવનારી વિગત એ છે કે આજે સવારે જ પરિવાર દ્વારા આ યુવતી ગઇકાલથી ગુમ હોવા અંગેની અરજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી અને આજે સાંજે જ તેની લાશ જંગલમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસે આપઘાતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનસિક તણાવ, કૌટુંબિક સમસ્યાઓ અને તેના ગંભીર પરિણામો પર ચિંતા વ્યક્ત કરી છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને આ યુવતીના મૃત્યુ પાછળનું સાચું કારણ બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.


  • Follow us on: