સગીર વયના યુવતીના ભાઈએ પ્રેમી યુવકના ભાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં દામનગરથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા છભાડિયા ગામે પ્રેમ સંબંધના વિવાદમાં એક નિર્દોષ યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાઈના પ્રેમ સંબંધની કિંમત બીજા ભાઈને ચૂકવવી પડી છે, મામલો થાળે પાડવા અને સમજાવટ કરવા ગયેલા 22 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સગીર પુત્રએ ઝઘડો શરૂ કરી દીધો હતો અને બબાલ થઈ
પ્રેમ સંબંધથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકને પકડી રાખી પીઠમાં છરીના ઉંડા ઘા મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે દામનગર પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે, લાઠી તાલુકાના છભડિયા ગામે રહેતા રવિ બાહોપિયાને ગામમાં રહેતા તુલસીભાઈ માંડવીયાની દીકરી સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી બંને પરિવારો વચ્ચે અવારનવાર તણાવ રહેતો હતો. આ મુદ્દે ફરીથી બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને પોતાના ભાઈ રવિના પ્રેમ સંબંધના મામલે સમાધાન કરવાના ઈરાદે તુલસીભાઇના ઘરે આવેલ મનીષભાઈ રાજુભાઈ બાહોપિયા (ઉં.વ. ૨૫)ને ઉશ્કેરાયેલા યુવતીના પિતા તુલસીભાઇ માંડવીયા, દુર્ગાબેન માંડવીયા અને સગીર પુત્રએ મનીષભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
પ્રેમ પ્રકરણનો અંત બીજા ભાઈના મૃત્યુથી આવતા બાહોપિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીઓએ મનીષભાઈને પકડી રાખી પીઠના ભાગે છરી વડે હુમલો કરી દીધો હતો. છરીના ઉંડા ઘા વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા મનીષને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે 108 મારફતે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો. ભાઈના પ્રેમ પ્રકરણનો અંત બીજા ભાઈના મૃત્યુથી આવતા બાહોપિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમરેલીથી ભાવનગર ખસેડયો હતો
પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી કરતા મનીષના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમરેલીથી ભાવનગર ખસેડયો હતો જ્યાંથી પીએમ બાદ મૃતદેહ પોતાના ઘરે છભાડિયા લાવવામાં આવ્યો હતો, મૃતદેહ નીચે ઉતારે એ પહેલા ઘરમાં પરિવારના રુદનથી અને આક્રંદથી ગામમાં દુઃખમય વાતાવરણ છવાય ગયું હતું, મૃતક મનીષના પિતા અને ભાઈએ હત્યા પાછળ સંડોવાયેલા તમામ આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી છે. તો સામેના પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી હતી,જેમાં ઝપાઝપી દરમિયાન દુર્ગાબેન તુલસીભાઇને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કાયદો કાયદાનું કામ કરશે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી મૃતકના પરિવારે માગ કરી છે
સમગ્ર ઘટનાની જાણ થતા જ દામનગર પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક મનીષભાઈના પરિવારજનોની ફરિયાદના આધારે તુલસીભાઇ માંડવીયા, કુલદીપભાઈ માંડવીયા અને દુર્ગાબેન માંડવીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી,અને ગણતરીના સમયમાંજ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, આમ કરે કોઈ અને ભરે કોઈ જેવી ઘટના દામનગરના છભાડિયા ગામે બની છે, ભાઈના પ્રેમસંબંધે ભાઈનો ભોગ લીધો છે, ત્યારે સામે પણ યુવતીના માતા પિતા અને ભાઈ જેલના સળિયા પાછળ પહોંચી જતા યુવતી એકલી થઈ ગઈ છે, સહેજ અમથો ક્રોધ કેટલાય પરિવારને રણ વિખેર કરી નાખે છે, ત્યારે હવે કાયદો કાયદાનું કામ કરશે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી મૃતકના પરિવારે માગ કરી છે.