સાવરકુંડલાના નેસડી રોડ પર આજે એક વિચિત્ર ઘટના બની હતી. જ્યાં તેલ ભરેલા એક કન્ટેનરે પલટી મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. પરંતુ કન્ટેનરમાંથી તેલ ઢોળાતાં આસપાસના વિસ્તારના લોકો ડબ્બા અને વાસણ લઈને તેલ લેવા માટે ઉમટી પડ્યા હતા. કન્ટેનરના ડ્રાઇવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કન્ટેનર રોડની બાજુમાં પલટી મારી ગયું હતું.


તેલ ભરેલા એક કન્ટેનરે પલટી મારી 

કન્ટેનર પલટી જતાં તેમાં ભરેલું ખાદ્ય તેલ રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં વહેવા લાગ્યું હતું. આ વાતની જાણ થતાં જ નેસડી રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકો પોતાના ઘરેથી ડબ્બા, કેન અને વાસણો લઈને વહી રહેલું તેલ એકઠું કરવા લાગ્યા હતા. એક તરફ અકસ્માતની ઘટના હતી. તો બીજી તરફ તેલ લેવા માટે લોકોની ભીડ જામી હતી.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી 

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સૌપ્રથમ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને સુરક્ષા જાળવવા માટે સમજાવ્યા હતા. હાલમાં કન્ટેનરને રસ્તા પરથી સાઈડમાં ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો અને કેટલું નુકસાન થયું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: