અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી એક મામૂલી બોલાચાલીએ લોહિયાળ જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણ પાછળનું કારણ એટલું નાનું હતું કે તે સાંભળીને આશ્ચર્ય થાય. લગ્ન દરમિયાન ઘોડીને ટ્રેક્ટર અડી જવાના સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં જોતજોતામાં ઉગ્ર હિંસામાં ફેરવાઈ ગઈ હતી. આ અથડામણમાં બંને જૂથના લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
1નું મોત, 9થી વધુ લોકો ઘાયલ
આ જૂથ અથડામણના પરિણામો ગંભીર આવ્યા છે. આ હિંસક સંઘર્ષમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે 9થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે લગ્નનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો અને સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.













