આણંદ જિલ્લાના બોરસદમાં અસામાજિક તત્વોએ મધ્યરાત્રિએ ખુલ્લી તલવારો સાથે ડીજે વગાડીને આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ મામલો ધારાસભ્યની ઓફિસ નીચે જ બનતા ભારે ચકચાર મચી ગઈ છે. કેટલાક લુખ્ખા તત્વો દ્વારા આણંદ ચોકડી પાસે ખુલ્લી તલવારો અને તીક્ષ્ણ હથિયારો લહેરાવીને બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ શખ્સોએ મોડી રાત્રે ફટાકડા ફોડીને અને જોરદાર અવાજે ડીજે વગાડીને ભયનો માહોલ ઊભો કર્યો હતો.
નબીરાઓએ આણંદ ચોકડી પાસે ખુલ્લી તલવારો સાથે બર્થ-ડે ઉજવ્યો
આ ઘટના ધારાસભ્યની ઓફિસની બરાબર નીચે જ બનતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. બોરસદ ટાઉન પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓમાં હર્ષદ રમેશભાઈ પટેલ (ઉર્ફે મેમ્બર), દીપલ (ઉર્ફે હેલિકોપ્ટર ઉર્ફે કાનાભાઈ), કોકો ભાસ્કરભાઈ રાવ, સતિષભાઈ પટેલ, હરદીપસિંહ બાબુભાઈ પઢીયાર, સ્વપ્નિલ નિલેશભાઈ ચાવડા, અંકુરભાઈ જયંતીભાઈ પટેલ અને ઉજ્જવલ અલ્પેશભાઈ પટેલનો સમાવેશ થાય છે.













