સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે આવી છે, જેને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરના RTO સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્ઝી સ્કીમ ખોલીને લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. 10થી 15 ટકાના વળતરની સ્કીમો દર્શાવીને મોટા રોકાણ મેળવીને રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે.
સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતિ શિકાર થતા ફરિયાદ
લાખો રુપિયાનું રોકાણ મેળવીને હવે ઓફિસને તાળા મારીને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતિ શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. ગત સપ્ટેમ્બર માસથી પોલીસ સમક્ષ નર્સિંગ કર્મીએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે ચાર મહિને પોન્ઝી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી છે. પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની વિગતો સામે આવી છે.













