બનાસકાંઠાના લાખણીના જસરા ગામે PIના માતા-પિતાની હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને આજે પોલીસે આરોપીઓને લાખણી કોર્ટમાં રજૂ કર્યા છે. લાખણી કોર્ટ 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે આરોપી સુરેશ પટેલ, શામળાભાઈ પટેલ, ઉમાભાઈ પટેલ અને દિલીપ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે આરોપીઓનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન દંપતીની હત્યાને લઈને હજુ અનેક ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ છે.
પોલીસે અલગ-અલગ 8 જેટલી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યા
તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના લાખણીના જસરા ગામે 2 દિવસ પહેલા SMCના PIના માતા-પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરવામાં આવી હતી, જેને લઈને વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો, જોકે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ-અલગ 8 જેટલી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનારા 4 આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળાજાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓએ હત્યા કરીને 2.50 લાખના દાગીનાની લૂંટ ચલાવી
જસરા ગામમાં SMCના PI એ.વી પટેલના માતા-પિતાની અત્યંત નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારા પાડોશી પિતા પુત્રે કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતિના મોઢા ચીરી, પગ કાપી 2.50 લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે આ ગુન્હામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય બે મળી ચાર લોકોને દબોચી લીધા છે.