બનાસકાંઠાના ઓગડ તાલુકાના ઉણ ગામે આજે વહેલી સવારે ખળભળાટ મચી ગયો છે. ગામમાં આવેલા શક્તિમાતાના મંદિરના ઓટલા પરથી એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવક ઉણ ગામનો જ રહેવાસી સહદેવસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા હોવાની ઓળખ થઈ છે.
મંદિરના ઓટલા પરથી યુવકનો મૃતદેહ મળ્યો
આજે સવારે જ્યારે સ્થાનિક લોકોએ શક્તિમાતાના મંદિરના ઓટલા પર લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ જોયો ત્યારે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઉણ ગામે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે યુવકની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે.













