દેશની રક્ષા માટે સરહદ પર કોઈપણ સ્થિતિમાં અડીખમ ઉભા રહેલા આર્મીના જવાનો દેશનું ગૌરવ છે. આ જવાનોનો પરિવાર દેશમાં પણ સુરક્ષિત નથી. ભાવનગરના અકવાડામાં આર્મીના જવાનના પરિવાર પર બેફામ બનેલા બુટલેગરોએ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ પોલીસ પણ ફરિયાદ નહીં નોંધતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આર્મીના જવાને એક વીડિયો બનાવીને મદદ માગી છે.


ભાવનગરના અકવાડામાં પરિવાર પર થયો હતો હુમલો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર શહેરના અકવાડા ગામે થોડા દિવસ પહેલા આર્મીના જવાનના પરિજનો પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી હતી. કેટલાક ઈસમો દ્વારા નશાની હાલતમાં આર્મીના જવાનના પરિવારજનો સાથે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. અકવાડા ગામે રહેતા વિશાલ રાઠોડ અને તેનો ભાઈ ભારતીય સેનામાં લદ્દાખ બોર્ડર પર ફરજ બજાવે છે. તેણે એક વીડિયો બનાવીને પરિવારની સુરક્ષા માટે મદદ માગી છે. આ ઘટના બાદ સેનાના જવાનના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા ગયા હતાં પણ પોલીસે ફરિયાદ લીધી નહોતી.

લદાખથી વીડિયો વાયરલ કરી મદદની કરી માગ

આર્મીના જવાન વિશાલ રાઠોડે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહીની માગ કરી હતી. ઓગસ્ટ મહિનામાં બનેલી આ ઘટના હોવાનું મનાય છે પણ પોલીસે હજી સુધી આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધી નથી. દેશની રક્ષા માટે બોર્ડર પર પોતાનો જીવ ન્યોચ્છાવર કરનારા આર્મીના જવાનનો પરિવાર દેશમાં જ સુરક્ષિત નથી. તેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયાં છે. એક તરફ પોલીસ મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરે છે બીજી બાજુ દેશની રક્ષા કરનારો જ પોતાના પરિવારની રક્ષા માટે મદદ માગી રહ્યો છે.


  • Follow us on: