ભાવનગર ના ઘોઘા તાલુકા ના ભીકડા ગામે રહેતી યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે વાત કરવાની મોતની સજા મળી છે.ભીકડા ગામે ભડીયા વિસ્તાર માં રહેતી શ્રમિક પરિવારની યુવતીને સિહોરના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે સોશિયલ મીડિયામાં તેની સાથે વાતો કરતી હતી. જે તેની માતા અને ભાઈને પસંદ નહોતુ જેથી તેઓ યુવતીને વારંવાર ઠપકો આપતા હતાં. યુવતી ત્યાર બાદ પણ યુવક સાથે વાતો કરતા ઝડપાઈ જતાં માતા અને ભાઈએ મળીને તેની હત્યા કરી તેનો મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધો હતો.
હત્યામાં સંડોવાયેલા માતા પુત્રને ઝડપી લેવાયા
પોલીસને યુવતીનો મૃતદેહ મળી આવતા હત્યાની શંકાના આધારે તપાસ હાથ ધરી પરિવારની પૂછપરછ કરાતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. વરતેજ પોલીસે હત્યામાં સંડોવાયેલા માતા પુત્રને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે. ગત 18 ઓક્ટોબરે હિંમતભાઈ સરવૈયાની દીકરી પારૂલ ઘરની પાછળ આવેલા ચેકડેમ પાસે કુદરતી હાજતે ગઈ હતી. ત્યાર બાદ તે ઘરે પરત ફરી નહોતી. 19 ઓક્ટોબરે તેનો મૃતદેહ ચેકડેમમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શરીર પર છરીના ઘાની ઈજાઓ જણાઈ આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.













