ગુજરાતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બોટાદના રાણપુરમાં એક યુવકના મોતને લઈને સમગ્ર સમાજ રોષે ભરાયો છે. જાળીલામાં પાણીની ટાંકી પાસેથી આ મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ યુવકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. સમાજે આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા નિર્ણય કર્યો હતો. રાણપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકની હત્યા કરાઇ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
બોટાદના રાણપુરમાં રહેતો એક યુવક અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા ઘરની બહાર ગયો હતો. ત્યાર બાદ તે પરત ફર્યો નહોતો. પરિવારજનોએ યુવકની શોધખોળ આદરી હતી. પોલીસને ગત રાત્રે જાળીલા ગામમાં પાણીની ટાંકી પાસે એક સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ જાળીલા ગામના હર્ષદભાઈ સોલંકીનો હોવાનું સામે આવ્યું હતું. યુવકના પરિવારજનો સાથે અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પાસે ભેગા થયા હતાં.













