દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના વાડિનાર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. થોડા દિવસો પહેલા ભરાણા ગામે બે પોલીસકર્મીઓ દ્વારા શારીરિક અત્યાચારને કારણે એક યુવાને આપઘાત કરી લીધો હતો. દારૂના કેસમાં એક યુવાનને વાડીનાર પોલીસના બે કર્મચારીઓએ ઢોર માર મારતા તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતાં મામલો ગરમાયો હતો.
યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો
ભરાણા ગામે યુવાને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેણે બંને પોલીસ કર્મી પ્રદીપસિંહ અને કરશનભાઇ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા ક્ષત્રિય સમાજના 500 જેટલા લોકોએ વાડીનાર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કરણી સેના દ્વારા આ મામલે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાને રજૂઆત કરાઈ હતી.













