દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં થયેલી લાખોની કિંમતની કોપરની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાજડીયારી ગામના પાટીયા પાસે આવેલી પાવરીકા કંપનીમાં રાત્રીના સમયે ત્રાટકેલી સાતનારી ગેંગના 3 સભ્યોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ગેંગના સભ્યો દિવસ દરમિયાન રેકી કરતા હતા અને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા હતા. આ સાતનારી ગેંગના સભ્યો માત્ર સામાન્ય ચોરી નહીં, પરંતુ રીઢા ગુનેગારોની ગેંગ હતી, જે રાત્રિના અંધકારમાં કંપનીઓને નિશાન બનાવતી હતી.


સાત નારી ગેંગના સભ્યોએ ચોરી કરી

ભાણવડ તાલુકાના સાજડીયારી પાસે આવેલી પાવરીકા કંપનીની સાઈટ પર ખુલ્લામાં પડેલી 88 નંગ કોપરની પ્લેટોની ચોરી આ સાત નારી ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ પ્લેટોની કિંમત અંદાજે રૂપિયા 6,38,000થી વધુ હતી. આ ચોરી પોલીસ માટે મોટો પડકાર બની હતી, ત્યારે ચોરીનો ભેદ ઉકેલવા દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય બની હતી અને PI બી.જે. સરવૈયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોનું નેટવર્ક કાર્યરત કર્યું હતું.

એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જામ ખંભાળીયા વિસ્તારમાં 3 શખ્સો છકડો રીક્ષામાં કોપરની પ્લેટો વેચાણ અર્થે આવ્યા હોય જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ વોચ ગોઠવી હતી અને આ સાત નારી ગેંગના 3 સભ્યો પરેશ ઉર્ફે પરિયો વાઘેલા, મહેશ સોલંકી અને કિશોર સોલંકીને દબોચી લેવામાં આવ્યા હતા, પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી તમામ 88 કોપરની પ્લેટો, ચોરીમાં વપરાયેલ છકડો રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 8,48,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીઓ રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગના સભ્યો દિવસ દરમિયાન રેકી કરતા હતા અને રાત્રીના સમયે કિંમતી સામાનની ચોરીને અંજામ આપતા હતા. સાત નારી ગેંગના ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું છે. પરેશ વાઘેલા અને કિશોર સોલંકી વિરુદ્ધ જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં લૂંટ, ચોરી તથા પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ પણ અલગ-અલગ જિલ્લાઓમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સો ધીરુ સોલંકી, બાબુ સોલંકી અને કરણ સોલંકી નામના સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાત નારી ગેંગના સભ્યો પકડાઈ જતા અન્ય બાકી રહેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Kutch : ભુજના એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતોની સંખ્યા સતત વધી, લોકોમાં ભારે રોષ


  • Follow us on: