ગાંધીધામમાં ગઈકાલે બનેલી લૂંટના પ્રયાસની ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ પોલીસ ઉકેલી દીધો છે. ગાંધીધામના મીઠોરોહર હાઈવે પર આવેલા રાધે કોમ્પ્લેક્ષ નામની ઈમારતમાં રાજુભાઈ રસીકલાલ ઠક્કર નામના વેપારીની ઘનશ્યામ ટેલિકોમના નામે આંગડિયા અને મની ટ્રાન્સફરની પેઢી આવેલી છે. સોમવારે બજારમાંથી વિવિધ ઉઘરાણીની રૂપિયા 20 લાખની રોકડ રકમ લઈને વેપારી પોતાની દુકાને પહોંચ્યા, ત્યારે તેમના પર છરી વડે હુમલો કરાયો હતો.


વેપારી પર છરી વડે કરાયો હતો હુમલો

આરોપીઓએ છરી વડે હુમલો કરતા ભોગ બનનારે રોકડ રકમનો થેલો બાજુની દુકાનમાં ફેંકી દીધો હતો, આ દરમિયાન આસપાસના વેપારીઓ આવી જતા હુમલાખોર આરોપીઓ કારમાં નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વિવિધ સીસીટીવી ફુટેજ વડે તપાસ આદરતા કાર અને તેની કડીઓ કચ્છ બહાર માળિયા તરફ જતી હોવાનું સ્પષ્ટ થયું હતું, જેને પગલે પોલીસે સામખિયાળી પાસેથી કારને અટકાવીને તમામ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા. પોલીસના હાથે પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા, અસલમ ઉર્ફ ઈકબાલ ઉર્ફે ખીસકોલી, હારૂન કેવર અને મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડાનો સમાવેશ થાય છે.

સીસીટીવીની મદદથી પોલીસે આરોપીઓને ઝડપી લીધા

તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓએ સોશિયલ મીડિયામાં લુંટનો વીડિયો જોયો હતો અને પછી લુંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં ભોગ બનનાર સાથે અગાઉ રોકડ રકમની લુંટના બનાવો બન્યો હતો, જેને પગલે તેઓ દૈનિક રોકડ રકમની હેરફેર કરતાં હોવાનું જાણીને ભોગ બનનારના ટાર્ગેટ બનાવ્યો હતો. આ પછી રેકી કરીને સોમવારે તેમની પાસે રૂપિયા વધુ હશે, તેમ માનીને સોમવારનો દિવસ નક્કી કરીને લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે ભોગ બનનારની સર્તકતાને પગલે લુંટનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો અને સીસીટીવીની મદદથી પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: