ગીર સોમનાથ જિલ્લામાં વઘાશિયા હોસ્પિટલના ડોક્ટર વિવાદમાં આવ્યા છે. ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયું હતું. પ્રસૂતાના મોત મામલે પરિવાર દ્વારા ડોક્ટર અક્ષય સામે ફરિયાદ કરવામાં આવી હતી. મૃતક મહિલાના પતિ દ્વારા ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ લગાવતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના બાદ ડોક્ટર સામે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. દરમિયાન કમિટીની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. જણાવી દઈએ કે તાલાલામાં 26 મેના રોજ કવિબેન નંદાણીયાનું મોત થયું હતું.
અગાણ પણ ત્રણ પ્રસૂતાના થયા મોત
તાલાલામાં પ્રસૂતા કવિબેનનું મોત થતા તેમના પતિએ ડોક્ટર સામે ફરિયાદ કરતા કમિટી દ્વારા ડોક્ટર સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. વઘાસિયા હોસ્પિટલના ડો.અક્ષય હડિયલ સામે તપાસમાં મોટો ખુલાસો થયો. કમિટીને તપાસમાં જાણવા મળ્યું કે અગાઉ પણ ડોક્ટર અક્ષયની બેદરકારીના કારણે જાન્યુઆરી 2025માં બે પ્રસુતાના મોત થયા હતા.
1. તા.26-05-2025 : કવિબેન જયેશભાઈ નંદાણીયા, ઉંમર 30 વર્ષ. રહે. પીપળવા ગામ, તાલાલા, ગીર સોમનાથ.
2.તા.27-01-2025 : કાજલબેન ચિરાગભાઈ ત્રાડા. ઉંમર રહે. હડમતીયા ગામ, તાલાલા, ગીર સોમનાથ.
3.તા . 28-01-2025 : મનીષાબેન અંકિતભાઈ મકવાણા. ઉંમર 24 વર્ષ. રહે. અરેણા ગામ, માંગરોળ, જૂનાગઢ.
રીપોર્ટમાં ડોક્ટર અક્ષય બેદરકાર હોવાનું સામે આવ્યું
ડો.અક્ષય પ્રસુતાઓને જાતે જ એનેસ્થેસિયા આપતો હતો. અને હોસ્પિટલમાં પણ અનક્વોલિફાઇડ સ્ટાફ રાખતો હતો. હોસ્પિટલમાં ICU કે બ્લડ સ્ટોરેજની વ્યવસ્થા ના હોવા છતાં ડોક્ટર અક્ષય સિઝરિયેન ઓપરેશન કરતા. આ ઉપરાંત હોસ્પિટલમાં જરૂરી હોય તેવા કેસમાં જનરલ ફિઝિશિયન પણ રાખતો ન હતો. કમિટીને જાણવા મળ્યું કે ડોક્ટર PPH પ્રોટોકોલ પ્રમાણે સારવારના નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરી કામગીરી કરી રહ્યા છે. ઘટના બાદથી ડો.અક્ષય હડિયલ ફરાર છે. આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવા બદલ ડોક્ટર અક્ષયને તાલાલા સરકારી હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડોક્ટર અક્ષયની બેદરકારીના કારણે કવીબેનનું મોત
કવીબેન પ્રસૂતાના કેસમાં પણ પોતે એનેસ્થેટીક તબીબ ન હોવા છતાં જોખમ લઇને લોકલ એનેસ્થેસિયા આપીને ડોકટર અક્ષયે તેમનું સીજેરિયન કર્યું હતું. અનક્વોલિફાઈડ સ્ટાફ સાથે ડિલિવરી કરાવવાના કારણે પ્રસૂતાની સ્થિતિ ગંભીર બની હતી. જેના બાદ કવીબેનની તબિયત લથડી અને બાદમાં મોત નિપજયું હતું. જો સમયસર દર્દીને વહેલી તકે મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હોત તો દર્દીનો જીવ બચી ગયો હોત. હાલ ડો. વિરુદ્ધ તાલાલા પોલીસમાં FIR દાખલ થતા પોલીસે ફરાર ડોક્ટરને શોધવા ચક્રોગતિમાન કર્યા.