ગીર સોમનાથના જામવાળા ગીરમાં આવેલો શિંગોડા ડેમ કોડીનાર તાલુકાની જીવાદોરી ગણવામાં આવે છે. મધ્યગીરમાં પડેલા ભારે વરસાદને લઈ સિઝનના પ્રથમ વરસાદમાં શિંગોડા ડેમ 70 ટકા ભરાયો છે. શિંગોડા ડેમનું લેવલ જાળવવા દરવાજા ખોલાય તેવી શક્યતા છે. આસપાસના ગામના લોકોને અવરજવર ન કરવા સૂચના તંત્ર દ્વારા આપવાામાં આવી છે.


શિંગોડા ડેમ 70 ટકા ભરાયો

ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો અને ગીર મધ્યે આવેલ શિંગોડા ડેમ નવા નીરની આવક થતાં 70 % ભરાયો છે. શિંગોડા સિંચાઇ યોજના હેઠળ ડેમનું લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવાની શક્યતા છે. પાણી છોડવામાં આવે ત્યારે ડેમની હેઠવાસમાં આવતા કોડીનાર તાલુકાના છાછર, દુદાણા ઘાટવડ, ગોવિંદપુર, કોડીનાર, નાના ઇંચવડ, મૂળ દ્વારકા, રોણાજ, સુગાલા, ચૌહાણની ખાણ અને ગીર ગઢડા તાલુકાના જગતિયા, ભંડારિયા, કંસારીયા, જામવાડા, પાણાદર ગામે અસર થવાની શક્યતાં જોતાં લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત તથા સલામત સ્થળે રહેવા સિંચાઈ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 ડેમ

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 ડેમ આવેલા છે. જે પૈકી સૌથી મોટો ડેમ શિંગોડા. મધ્યગીરમાંથી નીકળતી શીંગવડા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમની ઊંચાઈ 61 ફૂટની છે. અને ડેમમાં વિશાળ 6 દરવાજા આવેલા છે. શિંગોડા ડેમ કોડીનાર તાલુકાની જીવાદોરી ગણવામાં આવે છે.ગીર જંગલમાં ભારે વરસાદને કારણે ગીરમાંથી નીકળતી શીંગવડા નદી પર બાંધવામાં આવેલા શિંગોડા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતી હોય છે.


  • Follow us on: