ગીર સોમનાથના ઉનામાં શાળાની છત પરથી પોપડા પડવાની ઘટના સામે આવી છે. ઉનામાં લેરકા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલુ હતો, તે દરમિયાન જ શાળાના છતમાંથી પોપડા પડવાની ઘટના સામે આવી છે. અધિકારીઓની, ગામના આગેવાનો અને વાલીઓની હાજરીમાં આ પોપડા પડતા રોષ જોવા મળી રહ્યો છે. આ પોપડા પડતા બે વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ઈજા પહોંચી છે.
શાળાઓના બાંધકામ ઉપર સવાલ ઉઠ્યા
લેરકા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં 140 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમને જણાવી દઈએ અગાઉ ઉના તાલુકાના વાંસોજ ગામે પણ શાળાના પ્રાર્થના સમયે પોપડા પડવાની ઘટના સામે આવી હતી. તેમાં પણ 8 જેટલા બાળકોને ઈજા પહોંચી હતી. આ સિવાય દેલવાડા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા પડ્યાના બનાવ બન્યા છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી અને રિપેર કરવામાં આવેલી આ શાળાઓના બાંધકામ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. ક્યારેક કોઈ શાળામાં મોટો અસ્કમાત સર્જાય તો તેના માટે કોણ જવાબદાર રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
પોપડા પડવાની ઘટના બનતા અફરાતફરી મચી
ઉલ્લેખનીય છે કે ઉનાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલે પોપડા પડતા બે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને બંને બાળકીઓને સારવાર માટે ડોળાસા ગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઈજા પામનાર બંને બાળકીઓ દીપાનશી અશ્વિનભાઈ સોલંકી અને રિયાશી વિપુલભાઈ સોલંકીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ચાલુ સ્કુલે પોપડા પડવાની ઘટના બનતા બાળકોમાં અફરાતફરી મચી ગઈ છે.