ગીર સોમનાથ જિલ્લામાં ડોકટરની ગંભીર બેદરકારી સામે આવી છે. તાલાલામાં ડોકટરની બેદરકારીના કારણે પ્રસૂતાના મોત થતા ફરિયાદ નોંધવામાં આવી. આ ઘટના મે મહિનામાં 25 તારીખના રોજ બનવા પામી હતી. જેમાં વઘાશિયા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત નિપજયું હતું. મૃતક મહિલાના પતિએ ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ ફરિયાદમાં કહ્યું કે ડિલીવરી સમયે ડોક્ટર દ્વારા બેદરકારી દાખવતા પ્રસૂતિ દરમિયાન તેમની પત્નીનું મોત નિપજયું હતું. 


પ્રસુતા મહિલાનું 25 મેના રોજ થયું હતું મોત 

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ પીપળવા ગામના જયેશભાઇ નંદાણીયાના પત્ની કવીબેનને ડિલિવરી માટે  મે (2025) મહિનામાં વઘાશિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 મેના રોજ સાંજે 5 વાગ્યે કવીબેનનો પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા મહિલાને વાઘાસિયા હોસ્પિટલના ડોક્ટરને બતાવવા ગયા. જયાં ડોકટર અક્ષયે કહ્યું કે આજે નોર્મલ ડિલિવરી થઈ શકે છે તેમ જણાવી હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ  કર્યો હતો.  ડોક્ટરના સૂચનના પગલે જયેશભાઈએ તેમની પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સિઝેરિયન કર્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી

અને ડો. હડિયલે દવા ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી હતી. 9 વાગ્યા સુધી કવીબેને નોર્મલ ડિલિવરી ના થતાં ડોક્ટરે સિઝેરિયન કરવું પડશે તેમ જણાવ્યું. ડોક્ટરના વિશ્વાસે રહી કવીબેનના પતિ જયેશભાઈએ સિઝેરિયન માટે સમંતિ આપી. ડોક્ટરે સિઝરિયેન કર્યા બાદ કવીબેનની તબિયત વધુ લથડી હતી. એ જ દિવસે મોડી રાત્રે 1:30 વાગ્યે કવીબેનની તબિયત વધુ ખરાબ થતા તેમને તાત્કાલિક સારવાર માટે આઈજી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. પરંતુ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ એમ્બ્યુલન્સમાં કવીબેનનું મોત નિપજયું હતું.

આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ ડોક્ટર સામે કાર્યવાહી

પ્રસૂતા કવીબેનનું પ્રસૂતિ દરમિયાન મોત થતા પતિ જયેશભાઇ નંદાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વાઘાશિયા હોસ્પિટલના ડો. અક્ષય હડિયલ સામે વિભાગીય તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ડોક્ટર અક્ષય હડિયલની બેદરકારી સામે આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી (DHOની)ની તપાસમાં ડોક્ટર દોષિત સાબિત થતા અંતે તાલાલા પોલીસે આરોગ્ય વિભાગના રિપોર્ટ આધારે ડો. અક્ષય વિરુદ્ધ FIR નોંધી. જો કે મૃતક મહિલાના પતિની ફરિયાદ બાદથી ડોક્ટર ફરાર થઈ ગયા હતા. તાલાલા પોલીસે ગુમ થયેલા ડોક્ટરને શોધવા ચક્રો ગતિમાન કર્યા.

  • Follow us on: