રાજ્યમાં માત્ર નામની જ દારુ બંધી હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથમાં પોલીસે વિદેશી દારુ ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ અને તેને મોટી સફળતા મળી છે. વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ. જેમાં LCB સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ સર્ચમાં જોડાયો છે. 100થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.


કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી મળ્યો દારુ

આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે 100 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વેરાવળમાં કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દારુ મળ્યો છે. હાલમાં પણ પોલીસનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિદેશી દારૂનો જથ્થો જોઈને લાગી રહ્યું છે કે રાજ્યમાં દારુ બંધીની માત્ર વાતો જ કરવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે કોના ઈશારે આ પ્રકારના દારૂના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે? શું મોટા માથાઓના ચાર હાથ આ દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો ઉપર છે કે પછી તેમના દ્વારા મસમોટી રકમ ચૂકવવામાં આવી રહી છે તે પણ મોટો સવાલ છે.

દમણથી ગુજરાતમાં દારુ ઘુસાડવાનો નવો કીમિયો

બીજી તરફ વલસાડ જિલ્લા LCB દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દમણથી ગુજરાતમાં દારુ ઘુસાડવા નવા બુટલેગરોના અખતરા પકડાયા છે. દમણથી ટ્રકમાં સ્પિન મોપના આડમાં ચોરી છુપીથી દારૂ લઈ જવાતો ઝડપાયો છે. LCBએ 23.51 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપ્યો છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ટ્રક અટકાવી તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે.


  • Follow us on: