ઉના તાલુકાના નેસડા ગામે પ્રાથમિક શાળા તો છે પણ છેલ્લા 5 વર્ષથી આ શાળાના 4 ઓરડાઓ અતિ જર્જરિત હાલતમાં છે. શાળામાં કુલ 7 ઓરડાઓ છે. જેમાંથી હાલ માત્ર 2 જ ઓરડાઓમાં જેમાં 2 પાળીમાં અભ્યાસક્રમ ચાલે છે. બાલવાટિકાથી 8 વર્ષ સુધીના બાળકોના વર્ગમાં 118 વિધાર્થીઓ અભ્યાસ કરે છે પણ વર્ગમાં અભ્યાસ દરમિયાન વરસાદનું પાણી પડી રહ્યું છે. જર્જરીત ઓરડાઓમાં દીવાલોમાંથી પાણી ટપકે છે. વર્ષ 2008 અને 2011 માં બનેલી શાળાનું આયુષ્ય માત્ર 24 વર્ષનું જ! ત્યાં શાળા અતિ જર્જરીત બની છે.


મધ્યાહન ભોજનનું રસોડું પણ અતિ જર્જરીત

હાલ શાળાના બે ઓરડામાં વિધાર્થીનો અભ્યાસક્રમ ચાલે છે એ પણ ઉપર જર્જરિત છે તેમ છતાં અત્યારે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ના હોય જેથી અહીં બે પાળીમાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ સિવાય અહીં મધ્યાહન ભોજન શેડ તો છે પણ મધ્યાહન ભોજન બનાવવા રસોડું ખંઢેર બન્યું છે. જેથી મધ્યાહન ભોજન સંચાલક ઘરેથી ભોજન બનાવીને લાવે છે. મધ્યાહન ભોજનના શેડ પાસે દીવાલ નથી. પાછળની તરફ ગીચ ઝાડી આવેલી છે. અવાવરૂ હોવાથી આ જગ્યામાંથી સિંહ-દીપડાઓ પણ પ્રવેશી શકે તેમ છે. શાળાની જગ્યા ખૂબ નાની હોવાથી અહીં બાળકો રમતગમત રમી શકે એટલી જગ્યા નથી અને ઉપર જતા થોડી જગ્યા છે ત્યાં જર્જરિત ઓરડાઓ છે. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ..?

નવી શાળા બનાવી આપવામાં આવે તેવી વાલીઓ અને સરપંચની માંગ

નેસડી ગામના બીજી વખત ચૂંટાઈ આવેલા સરપંચે અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ના આવતા આજે વિધાર્થીઓની આવી કફોડી હાલત છે. શાળાના આચાર્યની ઓફિસ કે જેમાં કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે જેમાં આચાર્ય પણ કોમ્પ્યુટરને પ્લાસ્ટિકથી ઢાંકીને રાખે છે. વાલીઓ અને સરપંચની માંગ છે કે શાળાને રિપેરિંગ ના કરતા નવી શાળા બનાવી આપવામાં આવે જેથી બાળકો સારી રીતે ભણી શકે. ગુજરાત રાજ્યમાં હજુ પણ ઘણી બધી શાળાઓ જર્જરીત હાલતમાં છે. અને ઘણી શાળાઓને માત્ર એક શિક્ષક ચલાવે છે. 

  • Follow us on: