સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જોઈએ તેવી મેઘકૃપા થઈ નથી. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની મહેર ઓછી થતાં જિલ્લાના જળાશયો અધૂરા રહ્યા છે. ગત વર્ષે આ સમયે તમામ જળાશયો છલકાઈ ગયા હતા, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે.


કેચમેન્ટ વિસ્તારમાં માત્ર 14 ઈંચ વરસાદ નોંધાયો

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર વી.કે.કારાવદરાના જણાવ્યા અનુસાર, જિલ્લાની પાંચ સિંચાઈ યોજના પૈકી હિરણ-2 (ઉમરેઠી ડેમ) હાલ 65.92 ટકા ભરાયેલો છે. આ વર્ષે તેના કેચમેન્ટ વિસ્તારમાં માત્ર 14 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે આ જળાશય છલકાઈ ગયો હતો અને 34 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ આ વર્ષે 20 ઈંચ ઓછો વરસાદ નોંધાયો છે. ગીર જંગલમાં આવેલો હિરણ-1 (કમલેશ્વર ડેમ) હાલ 67 ટકા ભરાયેલો છે. આ વર્ષે તેના કેચમેન્ટ વિસ્તારમાં 23 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે 41 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ વર્ષે ઓછા વરસાદને કારણે હજુ ડેમ પાણીથી છલકાયા નથી

આમ, આ વર્ષે 18 ઈંચ ઓછો વરસાદ નોંધાયો છે. ઉના તાલુકામાં આવેલો રાવલ ડેમ હાલ 52.59 ટકા ભરાયેલો છે. આ વર્ષે તેના કેચમેન્ટ વિસ્તારમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે 21 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે આ વર્ષે 10 ઈંચ ઓછો વરસાદ નોંધાયો છે. કોડીનાર તાલુકામાં આવેલો શિંગોડા ડેમ હાલ 80.67 ટકા ભરાયેલો છે. આ વર્ષે તેના કેચમેન્ટ વિસ્તારમાં 21 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે 30 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ, આ વર્ષે 9 ઈંચ ઓછો વરસાદ નોંધાયો છે. ગીરગઢડા તાલુકામાં આવેલો મચ્છુન્દ્રી ડેમ હાલ 91 ટકા ભરાયેલો છે. આ વર્ષે તેના કેચમેન્ટ વિસ્તારમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે 30 ઈંચ વરસાદ પડ્યો હતો અને આ વર્ષે 15 ઈંચ ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લાના પાંચેય જળાશયોની સ્થિતિ પર નજર કરતાં ગત વર્ષે તમામ જળાશયો મેઘરાજાની મહેરથી છલકાઈ ગયા હતા. પરંતુ આ વર્ષે ઓછા વરસાદને કારણે હજુ ડેમ છલકાયા નથી. આગામી દિવસોમાં મેઘરાજા ગીર સોમનાથ જિલ્લા પર કૃપા વરસાવે તેવી સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.

  • Follow us on: