જામનગર સહિતના અનેક જિલ્લાઓમાંથી સોલાર પ્લાન્ટમાં કોપર વાયરની ચોરી કરતી ગેંગના બે સાગરીતો એલસીબીના હાથે ઝડપાયા છે, જામનગર જિલ્લા સહિત 12 સ્થળોએ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે, અન્ય પાંચ આરોપીઓને ફરાર જાહેર કરાયા છે, ગૂગલ મેપમાં સોલાર પ્લાન્ટનું સર્ચ કરી લીધા બાદ સર્વે કરીને ફોરવ્હીલમાં તે સ્થળે પહોંચી ચોરીને અંજામ આપતા હતા.


સૌરાષ્ટ્ર પંથકની 12 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે

જામનગરની એલ.સી.બી.ના પી.આઈ..પી.એસ.આઈ.તથા અન્ય સ્ટાફ દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા સોલાર પ્લાન્ટમાં કોપરના વાયર ચોરીના વણશોધાયેલ ગુના શોઘી કાઢવા અંગે,જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બીની ટીમને બાતમી મળેલી કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા સોલાર પ્લાન્ટમા કોપર તથા એલ્યુમિનમના વાયર ચોરીને અંજામ આપનાર ઇસમો લાલપુર તાલુકાના ગોવાણા ગામ તરફથી એક કાર જેનો નંબર-જી.જે.૦૪ ઇએ ૨૬૨૫ મા ચોરીનો વાયર લઇ આવી રહેલ છે. જે હકિકતના આઘારે અર્ટીગાકારમા બેઠેલ બે ઇસમોને પકડી પાડી, કારમા રહેલો ચોરીનો કેબલ વાયર કબ્જે કરી, બન્ને આરોપીઓ (૧) મહેશભાઇ ઉર્ફે લાલો મથુરભાઇ મકવાણા (ડ્રાઇવીંગ) રહે. નિર્મળનગર, બસ ર્ટેન્ડ પાસે, હીરા બજાર ભાવનગર અને (૨) કલ્પેશભાઇ ઉર્ફે કપુ હિમતભાઇ ડાભી (હીરા ધસવાનો) રહે. શીહોર, તા.શીહોર જી.ભાવનગરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સોલાર પ્લાન્ટમાંથી કરતા હતા વાયરની ચોરી

પોલીસ દ્વારા તેઓની પૂછપરછ દરમિયાન તેઓના અન્ય પાંચ સાગરીતો (૧) ગોપાલભાઇ નરશીભાઇ વાધેલા રહે. ઉંડવી તા.શીહોર ભાવનગર (૨) અજયભાઇ પ્રવિણભાઇ ડાભી રહે. શીહોર ભાવનગર, (૩) અલ્પેશભાઇ દિનેશભાઇ કોળી રહે. શીહોર ટોડા ભાવનગર,(૪) ભરતભાઇ ડુંગરભાઇ વાધેલા રહે. ઇશ્વરીયા તા.શીહોર ભાવનગર. તેમજ (૫) લાલજીભાઇ કલ્યાણભાઇ ચૌહાણ રહે. ઇશ્વરીયા તા.શીહોર ને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

પાંચ આરોપી ચોરીના કેસમાં ફરાર છે

હાલ પોલીસે પકડલા બંને આરોપીઓ પાસેથી(૧) સોલાર પેનર ડી.સી.કનેકટર નંગ-૮૦ કિ.રૂ ૫૦૦૦, (ર) કોપર કેબલ વાયર-૨૪૦૦ મીટર કિ.રૂ.૭૫,૦૦૦, (૩) અટિગા કાર-૧ કિ.રૂ ૭,૦૦,૦૦૦, (૪) મો.ફોન-૨ કિ.રૂ ૧૦,૦૦૦, (પ) વાયર કાપરનુ કટર મશીન-૩-કિ.રૂ.૩૦૦ મળી ટોટલ કુલ .૭,૯૦,૩૦૦ નો મુદ્દા માલ કબજે કરી લીધો છે. જેમાં તેઓએ જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક, અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ મથક, અમરેલી ના બાબરા, રાજકોટ જિલ્લાના ઉપલેટા, જુનાગઢ જિલ્લાના વિસાવદર અને કચ્છના ભચાઉ સહિત બાર જેટલા સોલાર પ્લાન્ટ માંથી તેઓએ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આ આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી એવી રીતે હતી કે તેઓ તમામ ગુગલ મેપમાં સર્ચ કરીને સોલાર પ્લાન્ટ વાળી જગ્યા ક્યાં આવેલી છે, તેનું સર્વે કરી લીધા બાદ તે મેપ ના સર્વે કરેલા સ્થળે ફોરવ્હીલ માં પહોંચી કટર મશીનથી કેબલ વાયર ની ચોરી કરતા હતા.


  • Follow us on: