સુરત શહેરના પોશ વિસ્તારમાં તળાવની પાળે આવેલા દિગ્વિજય પ્લોટ, શેરી નંબર 10માં ધોળા દિવસે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. થોડા સમયથી બંધ પડેલા એક ઘરને નીસાન બનાવી ચોર બારી તોડીને ચોરી કરવાના ઈરાદે બંધ ઘરમાં ઘૂસ્યો હતો. બંધ ઘરમાંથી અવાજ સંભળાતા પાડોશિઓ સતર્ક થઈ ગયા હતા. પાડોશિઓએ તરત પોલીસને બોલાવી લેતા આ શખ્સે કરેલો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. સ્થાનિકોની સતર્કતાથી ઘરફોડ ચારી અટકી ગઈ હતી.


સ્થાનિકોની સતર્કતાથી ચોરીનો પ્રયાસ થયો નિષ્ફળ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે ચોર બંધ મકાનની બારી તોડીને મકાનમાં ઘૂસ્યો ત્યારે તેમને થોડી શંકા થઈ. ત્યાર બાદ બંધ પડેલા મકાનમાં કોઈના હોવાની તેમને ખબર પડી. આડોશી પાડોશીની સતર્કતાથી તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ પોલીસને જોઈ ચોર ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ કેદ

પોલીસની ટીમ પહોંચ્યા બાદ ચોર પહેલા માળેથી કૂદીને ફરાર થઈ ગયો હતો. ચોરના પહેલા માળેથી કૂદીને ફરાર થવાનો આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાલ પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઓળખી કાઢવા અને તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પોશ વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: