જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર જિલ્લાની આંગણવાડીમાંથી ગેસના બાટલા ચોરીને અંજામ આપનાર પ્રાથમિક શાળાના સસ્પેન્ડ શિક્ષકને જામનગર એલસીબી પોલીસે પકડી પાડયો છે. ઓનલાઈન જુગારમાં પૈસા હારી જતા ખંભાળીયાના ગાયત્રીનગરમાં રહેતો સસ્પેન્ડેડ શિક્ષક ચોરીના રવાડે ચડ્યો હોવાનું ખુલ્યું છે. તે કોટા ગામની પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ થયો હોવાનું ખુલ્યું છે. આ દરમિયાન 26 ચોરીનો ભેદ ઉકેલાયો છે.


પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યો

જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામાં આંગણવાડીમાં ગેસના બાટલાની ચોરી કરનાર પ્રાથમિક શાળાના સસ્પેન્ડ આચાર્ય/શિક્ષક કાંતિલાલ ડાયાભાઇ નકુમ (રહે.જામખંભાળીયા) સંડોવાયેલા અને જે હાલ જામનગર તાલુકાના દરેડ ગામે સી.એન.જી પેટ્રોલપંપ નજીક આવેલ અવાવરુ ઓરડીમાં ચોરી કરેલા ગેસના બાટલા રાખેલા તે બાટલા સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે. તેવી પોલીસને બાતમી મળી હતી.

18 બાટલા અને બાઈક પોલીસે કબ્જે કર્યુ

જેના આધારે પોલીસે કાંતિલાલ ડાયાભાઈ નકુમને પકડી પાડયો હતો. પોલીસે તેના કબજામાંથી 30,000ની કિંમતના ગેસના 18 બાટલા, બાઈક, સળીયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની વધુ પુછપરછમાં સામે આવ્યું કે આરોપી જામખંભાળીયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળાના સસ્પેન્ડ આચાર્ય/શિક્ષક છે અને તે ઓનલાઈન જુગારમાં પૈસા હારી જતા ચોરીના રવાડે ચડ્યો હોવાનું ખોલ્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જિલ્લામાં આવેલી આંગણવાડીની રેકી કરી આંગણવાડીના દરવાજાના તાળા, ડીસમીસ, લોખંડના સળીયાથી તાળા નકુચા તોડી આંગણવાડીમાં ગેસના બાટલાની ચોરીને અંજામ આપતો હતો.

સસ્પેન્ડ થયેલા શિક્ષકનો ગુનાહિત ઈતિહાસ

કાંતિલાલ ડાયાલાલ નકુમ 2004થી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજમાં લાગ્યો હતો. કાંતિલાલ શિક્ષક તરીકે સૌ પ્રથમ મૂળ ખંભાળિયામાં આવેલા બેલા વાડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અને ત્યારબાદ જામ ખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. જ્યાં તેમણે તેની નોકરી દરમિયાન ખંભાળિયામાં આવેલ બેલા વાડી પ્રાથમિક શાળામાંથી લેપટોપની ચોરી કરી હતી, જે ચોરીના ગુનામાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો, ત્યારે તે ખંભાળિયાની કોટા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. આ ઘટના બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને તે ચોરીના રવાડે ચડી ગયો અને અત્યાર સુધીમાં તેણે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત 26 જેટલા ગુનાઓ આચર્યા છે. જેમાં તેણે મોટાભાગની ચોરી આંગણવાડીમાં કરી ગેસના બાટલા ચોરી કર્યા છે.


  • Follow us on: