જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર જયદીપભાઈ રાજેશભાઇ ગેડીયાએ ગઈકાલે સવારે 10:30 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈ હિંમતલાલ ત્રિવેદી અને ડ્રાઈવર સંજયભાઈ લોલાડીયા સાથે સરકારી બોલેરોમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ પેટ્રોલીંગ દરમિયાન ઝાંઝરડા ચોકડી નજીક આવેલા અક્ષર વે બ્રિજ પાસે તેમને પીળા કલરનું રેતી ભરેલું અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર જોવા મળ્યું હતું.
ડમ્પર માલિક રૈયાભાઈ ભારાઈ ઘટનાસ્થળે પહોંચ્યા
જેના ચેકીંગ માટે રોયલ્ટી ઈન્સ્પેક્ટરે ડમ્પરના ડ્રાઇવર જનકભાઈ ચોરવાડા પાસે રોયલ્ટી પાસની માગણી કરી હતી, જે ડ્રાઈવર પાસે નહોતો. જીઓ માઈન એપ્લિકેશનમાં તપાસ કરતા પણ આ ડમ્પર નંબર પર કોઈ રોયલ્ટી પાસ ઇશ્યૂ થયો નહોતો. ડ્રાઈવરે ડમ્પરના માલિકનું નામ રૈયાભાઈ ભનુભાઈ ભારાઇ (રહે. વધાવી) જાણ કરી હતી. એટલી જ વારમાં ડમ્પર માલિક રૈયાભાઈ ભારાઈ ઘટનાસ્થળે આવી ગયા હતા. માલિક રૈયાભાઈ ભારાઈએ ડ્રાઈવરને ડમ્પર પાછળ લઈને રેતી ખાલી કરવાની સૂચના આપી. ઈન્સ્પેક્ટરની ના પાડવા છતાં રૈયાભાઈએ જાતે જ ડમ્પરના પાછળના ફાલકાની પીનો ખોલી નાખી અને ડ્રાઈવર જનકભાઈએ ડમ્પર રિવર્સ લઈને વે બ્રિજ પરથી રેતી ખાલી કરી દીધી.
ઈન્સ્પેક્ટરે ગાડીમાં ડમ્પરનો પીછો કર્યો
રેતી ખાલી કર્યા બાદ ડમ્પર ભગાડવાનો પ્રયાસ થતાં સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈએ ડમ્પર રોકવાની કોશિશ કરી. આ સમયે ડમ્પર માલિક રૈયાભાઈએ ભાવેશભાઈનું ટી-શર્ટ પકડી તેમની સાથે ઝપાઝપી કરી અને તેમને માર મારવા લાગ્યા હતા. ફરિયાદી જયદીપભાઈ જ્યારે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારવા લાગ્યા, ત્યારે રૈયાભાઈએ તેમને પણ પકડી લીધા. રૈયાભાઈએ ગાળો બોલીને ધમકી આપી કે "આજે તો તમને જાનથી પતાવી દેવા છે." ઝપાઝપી કરીને તેમણે ડ્રાઈવરને ડમ્પર લઈને ભાગી જવાનું કહ્યું. જો કે ડ્રાઈવર ડમ્પર લઈને ભાગી છૂટતા, ઈન્સ્પેક્ટર જયદીપભાઈ અને સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈએ પોતાની સરકારી બોલેરો ગાડીમાં ડમ્પરનો પીછો કર્યો.
ડમ્પરમાંથી વીવો કંપનીનો એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ મળી આવ્યો
આ બનાવની જગ્યાએથી આશરે 200 મીટર આગળ જઈને તેમણે બોલેરો આડી કરીને ડમ્પરને રોકાવી દીધું. જોકે, ડ્રાઈવર અને માલિક બંને ડમ્પર ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. ઈન્સ્પેક્ટરે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી અને ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. ડમ્પરમાંથી વીવો કંપનીનો એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ મળી આવ્યો છે, જે પોલીસને સોંપી દેવાયો છે અને આ મામલે ડ્રાઈવર જનકભાઈ ચોરવાડા અને માલિક રૈયાભાઈ ભનુભાઈ ભારાઇ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી અને માર મારવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરીના આ કેસથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.