જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામ ખાતે આજે એક રોમાંચક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. જેમાં એક સિંહ ખુલ્લા કૂવામાં ખાબકી ગયો હતો. સિંહને સલામત રીતે બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા લાંબી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના ખોડાદા ગામના ખેતર વિસ્તારમાં બની હતી. આ સિંહ કોઈ શિકારની પાછળ પૂરપાટ દોડી રહ્યો હતો. દોડતી વખતે સિંહને અંદાજ ન આવતા તે અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબકી પડ્યો હતો.
શિકારની પાછળ દોડતા સિંહ કૂવામાં ખાબક્યો
સિંહ કૂવામાં પડ્યાની જાણ થતાં જ ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગની ટીમે સિંહને કૂવામાંથી બહાર કાઢવા માટે સૂઝબૂઝપૂર્વક રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું. લાંબા પ્રયાસો બાદ વન વિભાગની ટીમે સિંહને સફળતાપૂર્વક સલામત રીતે કૂવામાંથી બહાર કાઢી લીધો હતો.













