શેર બજારમાં રસ ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, રોકાણકારોને શેરબજારની ટીપ્સ આપીને તેની પાસેથી તગડી ફી વસૂલ કરી કેશોદના દેવાણીનગરનો રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ સરસ્વતી માર્કેટમાં ગણેશ ઓફસેટ નામની પોતાની ઓફિસમાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો. રવિ ગોહિલ પોતે શેરબજારનો કોઈ નિષ્ણાંત કે સેબી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ન હોવા છતાં ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ગેરકાયદેસર રીતે દેશભરના લોકોના ડિમેટ એકાઉન્ટનો ડેટા મેળવતો હતો.
ગ્રુપમાં જોડીને ટીપ્સ આપવાના નામે તગડી ફી વસૂલતો
પોલીસને દરોડો દરમિયાન આરોપી પાસેથી 10 લાખ ડિમેટ એકાઉન્ટનો ડેટા મળી આવ્યો હતો. આ ડેટાનો ઉપયોગ કરીને તે ખાતાધારકોને ફોન કરતો અને તેમને શેરબજારમાં મોટા નફાનું આકર્ષણ આપી લલચાવતો હતો. શરૂઆતમાં તે લોકોને પોતાના 'મારુતિ કેપિટલ' નામના ફ્રી વોટ્સએપ ગ્રુપમાં જોડીને 'ડેમો ટિપ્સ' આપતો. એકવાર રોકાણકારોને તેમાં રસ પડવા લાગતો, ત્યારે તે તેમને 'મારુતિ કેપિટલ પ્રીમિયમ' ગ્રુપમાં જોડીને ટિપ્સ આપવાના નામે તગડી ફી વસૂલતો હતો. આ રીતે તે સેંકડો લોકોને છેતરીને મોટો નફો કમાતો હતો.
કૌભાંડનું કદ ઘણું મોટું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
જૂનાગઢ LCB પોલીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે બાતમી મળી હતી. બાતમી મળતા જ LCB ટીમે તાત્કાલિક રવિ ગોહિલની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ઓફિસમાંથી બે કોમ્પ્યુટર, સીપીયુ, યુપીએસ, બે મોબાઈલ ફોન, એક રાઉટર, પેન ડ્રાઈવ અને મોટા પ્રમાણમાં ગ્રાહકોના ડેટા ધરાવતી બુક્સ જપ્ત કરી હતી. પોલીસને સૌથી વધુ ચોંકાવનારી વિગત આરોપીની પેન ડ્રાઈવમાંથી મળી. આ પેન ડ્રાઈવમાં કુલ 10,04,415 જેટલા ડિમેટ એકાઉન્ટ ધારકોનો ડેટા મળી આવ્યો છે, જેમાં નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ, શહેર અને દેશ જેવી સંવેદનશીલ માહિતીઓનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં ડેટા મળવાથી કૌભાંડનું કદ ઘણું મોટું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે નથી કરાવ્યું કોઈ રજિસ્ટ્રેશન
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે રવિ ગોહિલે સેબી (SEBI)માં કોઈ રજિસ્ટ્રેશન કરાવેલું નથી. સેબીના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ક્યાં રોકાણ કરવું તેની ટિપ્સ આપીને ચાર્જ વસૂલ કરે તો તેનું ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર અથવા રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. આ આરોપીએ કોઈપણ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવેલું ન હોવા છતાં લોકોને છેતરપિંડીના ઈરાદા સાથે વિગતો મેળવીને ચાર્જ વસૂલતો હતો. લોકોની સાથે છેતરપિંડી કરવાના હેતુથી કામ કરતો હોવાના ગુના સબબ તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.