જૂનાગઢમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાનને સસ્તા ભાવે જેસીબી મશીન આપવાની લાલચ આપીને 11 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.....


સસ્તા ભાવે જેસીબી અપાવવાની લાલચ આપી

સસ્તા ભાવે જે સી બી આપવાની લાલચ આપી ​પાટણવાવના રહેવાસી પ્રકાશ ભુપત રાણવાને પોતાના વ્યવસાય માટે જેસીબી મશીન ખરીદવું હતું. આ માટે તેઓ જૂનાગઢના મધુરમ ગેટ પાસે ઓફિસ ધરાવતા મુન્ના મીર અને તેના પુત્ર નદીમ મીરના સંપર્કમાં આવ્યા હતા. આ બંને સાથે કાના ચૌહાણ પણ જોડાયેલો હતો. આ ત્રણેય આરોપીઓએ પ્રકાશ રાણવાને મધ્યપ્રદેશથી સસ્તા ભાવે જેસીબી અપાવવાની લાલચ આપી અને તેમનો વિશ્વાસ જીતીને કુલ ₹11 લાખ પડાવી લીધા. પૈસા લીધા પછી આરોપીઓએ જેસીબી આપ્યું નહીં અને પ્રકાશને ટાળવા લાગ્યા હતા.

બળજબરીપૂર્વક વધુ ₹25,200 પડાવી લીધા

ફરિયાદી પ્રકાશ રાણવા આરોપીઓની ઓફિસે પૈસાની વાત કરવા ગયા. અહીં પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો કરવા લાગ્યા. તેમણે પ્રકાશ સાથે ગાળાગાળી કરી અને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. આટલું જ નહીં, તેમણે બળજબરીપૂર્વક વધુ ₹25,200 પડાવી લીધા અને પ્રકાશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી....

3 આરોપી ઝડપાયા

આ ઘટના બાદ પ્રકાશ રાણવાએ જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, એટ્રોસિટી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવા સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી હતી..આ મામલામાં પોલીસે મુન્નાભાઈ મીર, નદીમ મીર અને કાના ચૌહાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરતાં, કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુનાની સઘન તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને મધુરમ વિસ્તારમાં ક્રાઈમ સીનનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. મુન્ના મીર અને નદીમ મીર અગાઉ પણ કલમ 406 અને 420 હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા છે....

સાવધાની રાખવા પોલીસે અપીલ કરી

આમ સસ્તા ભાવે વાહન મેળવવાની લાલચમાં ન ફસાવું જોઈએ, કારણ કે આવા આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેથી કોઈપણ ખરીદી કરતા પહેલા સાવધાની રાખવા પોલીસે અપીલ કરી છે.

  • Follow us on: