જૂનાગઢના કોર્પોરેટર કરમણ રબારીની વર્ષ 2010માં થયેલી હત્યાના મુખ્ય આરોપી અશ્વિન કાઠીને સ્ટેટ મોનિટરિંગ સેલે રાજસ્થાનના બિકાનેરથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વચગાળાના જામીન મેળવ્યા બાદ છેલ્લા છ વર્ષથી ફરાર હતો. આરોપી પોલીસથી બચવા માટે સાધુનો વેશ ધારણ કરીને જુદા જુદા રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો. કોર્પોરેટર કરમણ રબારીએ આરોપી અશ્વિન કાઠી દ્વારા થતી નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પોલીસને બાતમી આપી હતી.
2010માં કોર્પોરેટર કરમણ રબારીની હત્યા કરી હતી
આ અદાવતને કારણે અશ્વિન કાઠીએ કરમણ રબારીની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીની ધરપકડ થઈ હતી. પરંતુ તે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. 6 વર્ષના લાંબા સમયગાળા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે અશ્વિન કાઠીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.













