જૂનાગઢ વન વિભાગ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડમાં આવતા દાતાર સીડીની આજુબાજુના અભ્યારણ્ય વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરી કરતા ઈસમોને પકડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે. વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડ્યો છે અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટાફને આ ઈસમો ધ્યાને આવતા તેમનો પીછો કરવામાં આવ્યો
છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. ગત તારીખ 05-10-2025ના રોજ ચંદનના ઝાડ કાપવાના ઈરાદે આવેલા કેટલાક અજાણ્યા ઈસમો સીડીની આજુબાજુ નજરે પડ્યા હતા. સ્ટાફને આ ઈસમો ધ્યાને આવતા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. આખરે, ઈસમો ભવનાથ પાંચ નાકા પાસેથી બહાર નીકળતા જ સ્ટાફે કાર્યવાહી કરી હતી. જેમાં એક ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ વિરમારામ મોતીરામ કલાવા (રહે. સાટીયાખેડી, તા. ગોગુંદા, જી. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેઓ કુલ 5 શખ્સની ટોળકીમાં હતા, જેમાંથી બાકીના 3 ઈસમો મજેવડી ખાતે તેમની રાહ જોઈ રહ્યા હતા.













