જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રાડાનું સભ્યપદ રદ થતાં શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાયેલા સોનલબેનનું જાતિ પ્રમાણપત્ર ગાંધીનગરની વિશ્લેષણ સમિતિએ રદ જાહેર કરતાં મનપા કમિશનરે તેમના કોર્પોરેટર પદને તાત્કાલિક રદ કરી દીધું છે.


આદિજાતિ બેઠક માટે સોનલબેન રાડાએ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં 15ના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનુસૂચિત આદિજાતિ બેઠક માટે સોનલબેન રાડાએ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને આ બેઠક ઉપરથી ચૂંટાયા હતા. તેમનું આદિજાતિ પ્રમાણપત્ર જાન્યુઆરી 2016માં જૂનાગઢ શહેરમાંથી કઢાવવામાં આવ્યું હતું.નિયમ મુજબ આ પ્રમાણપત્ર ખરાઈ માટે એપ્રિલ 2025માં ગાંધીનગરની વિશ્લેષણ સમિતિને મોકલવામાં આવ્યું હતું.23 સપ્ટેમ્બર 2025ના રોજ વિશ્લેષણ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો જેમાં સોનલબેન રાડાનું આદિજાતિ પ્રમાણપત્ર રદ જાહેર કરવામાં આવ્યું હતું.

મનપા કમિશનરે તાત્કાલિક અસરથી સોનલબેન રાડાનું સભ્યપદ રદ કર્યું

આ રિપોર્ટ કલેક્ટર કચેરી મારફતે મળતા જ મનપા કમિશનરે તાત્કાલિક અસરથી સોનલબેન રાડાનું સભ્યપદ રદ કર્યું છે. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સરકાર પર આકરા આક્ષેપો કર્યા છે.ભાજપ સરકાર એનકેન પ્રકારે વિપક્ષના કોર્પોરેટરો કે નેતાઓને દબાવીને હેરાન કરી રહી છે.સોનલબેનને 2016માં મામલતદાર દ્વારા તમામ વેરિફિકેશન બાદ જ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને 2009માં તેમના પિતાનું પણ જાતિનું પ્રમાણપત્ર ઉપલબ્ધ છે.સરકાર દ્વારા હવે આઝાદી સમયના પુરાવા માંગવામાં આવી રહ્યા છે જે કોઈની પાસે હોતા નથી.

આ મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

તેમણે આક્ષેપ કર્યો કે ભાજપમાં ન જોડાતા વિપક્ષી સભ્યો પર દબાણ કરવા માટે આ કાર્યવાહી થઈ રહી છે.જો પ્રમાણપત્રોની નિષ્પક્ષ તપાસ થાય તો ભાજપમાં રહેલા અનેક પ્રમાણપત્રોનું સત્ય બહાર આવી શકે તેમ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે સોનલબેનનો પરિવાર રાંધણીયા નેસ જંગલ વિસ્તારમાં વર્ષોથી રહેતો હતો તેથી મામલતદાર દ્વારા અપાયેલું પ્રમાણપત્ર રદ કરવું યોગ્ય નથી. આ મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ કેસમાં અગાઉ હાઈકોર્ટ દ્વારા સુનાવણી પણ હાથ ધરાઈ હતી અને હવે હાઈકોર્ટના આગામી નિર્ણય બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


  • Follow us on: