ગિરનારના ખોડીયાર રાઉન્ડમાં આવેલા દાતાર જંગલ વિસ્તારમાં ચંદનની તસ્કરીનો ફરી એક બનાવ સામે આવ્યો છે. છેલ્લા બે દિવસથી વનવિભાગની ટીમોને ચંદનચોરીની શંકા હોવાથી એલર્ટ મોડમાં હતી. વનવિભાગે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો, જ્યારે તેના સાથીઓ ભાગી જવામાં સફળ રહ્યા. આ ઘટનાને પગલે વનવિભાગે ‘ઓપરેશન ચંદન’ શરૂ કરીને વેરાવળ અને રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગિરનાર ક્ષેત્રમાં ચંદનના અમૂલ્ય વૃક્ષો
ગિરનાર ક્ષેત્રમાં ચંદનના અમૂલ્ય વૃક્ષો આવેલા છે, જેના લાકડાની વૈશ્વિક બજારમાં લાખોની કિંમત છે. આને કારણે પરપ્રાંતીય ગેંગો અવારનવાર ગિરનારના જંગલોમાં ચંદનચોરી માટે આવે છે. ભૂતકાળમાં પણ આવા ઘણા બનાવો બન્યા છે. થોડા દિવસ પહેલાં દાતાર જંગલમાં ચંદનચોરીની બાતમી મળતાં વનવિભાગે ખોડીયાર રાઉન્ડમાં નજર રાખવાનું શરૂ કર્યું હતું. બે દિવસની સતત દેખરેખ બાદ આજે એક શખ્સને ઝાડ કાપતાં ઝડપી લેવાયો.













