જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર રહેતા નિવૃત ફોરેસ્ટ ઓફિસરને રાજકોટની એક મહિલાએ ફેસબુક મારફતે ફ્રેન્ડશીપ કરીને રાજકોટ અને ચોટીલામાં મળવા બોલાવી હોટેલમાં અંગત પળો માણીને તેનો વીડિયો ઉતારી લીધો, બાદમાં તે વીડિયો વાયરલ કરવાની અને ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપીને 40 લાખ માગ્યા હોવાની 3 સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અહીંના ચોબારી રોડ ઉપર વિનાયક રેસિડેન્સીમાં રહેતા અને વર્ષ 2017માં ફોરેસ્ટર તરીકે નિવૃત થયેલા પરશોતમભાઈ ત્રિકમભાઈ કનેરિયાએ બી ડિવીઝન પોલીસમાં રાજકોટની ઉર્મિલા, તેની બહેનપણી અને એક અજાણ્યા શખ્સ સામે 40 લાખ માગ્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ એક વર્ષ પહેલા પરશોતમભાઈને ઉર્મિલાએ ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવી હતી, બાદમાં બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે થયેલી અને ફોનમાં વાતચીત થવા લાગી હતી.

હોટેલમાં માણેલી અંગત પળનો વીડિયો ઉતારી લીધો

ઉર્મિલાએ જણાવેલું કે તેણી એકલી છે અને આત્મિયતા કેળવીને 5 મહિના પહેલા મિત્ર તરીકે રાજકોટ મળવા બોલાવ્યા હતા અને ત્યાં એક હોટેલમાં અંગત પળો માણી હતી, તે ઘટના પછી એક દિવસ ઉર્મિલાનો ફોન આવ્યો અને તે પ્રેગ્નન્ટ છે, કહીને બાળકનું એબોશન કરાવવાનું કહીને કટકે કટકે અનેકવાર ગુગલ-પે થી અનેકવાર પૈસા પણ પડાવ્યા હતા અને ફરી 19 સપ્ટેમ્બરના રોજ રાજકોટ મળવા બોલાવતા પરશોતમભાઈ ઉર્મિલાને મળવા ગયા હતા. ત્યારે તેઓ રાજકોટથી ચોટીલામાં એક હોટેલમાં રાત્રી રોકાણ કરીને અંગત પળ માણી હતી, તે સમયનો ઉર્મિલાએ વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો પરશોતમભાઈને વોટ્સઅપમાં મોકલીને એક અજાણ્યા શખ્સે તેની પાસે 40 લાખ માગ્યા હતા અને પૈસા નહીં આપે તો તેને સમાજમાં બદનામ કરી દેશે અને તેમના સંબંધીને વીડિયો મોકલીને વાયરલ કરી દેશે. જેથી ગભરાઈને અંતે પરશોતમભાઈએ આજે બી ડિવીઝન પોલીસમાં ઉર્મિલા અને તેની એક બહેનપણી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

વીડિયો બાબતે ઉર્મિલા પણ અજાણ બનેલી!

ફરિયાદમાં જણાવ્યા અનુસાર પરશોતમભાઈને અજાણ્યા શખ્સે વીડિયો મોકલ્યો તે જ વીડિયો ઉર્મિલાને પણ મળ્યો હોવાનું અને પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનું ઉર્મિલાએ પરશોતમને જણાવ્યું હતું, પરંતુ બાદમાં ઉર્મિલાએ કબુલાત આપી કે આ વીડિયો તેણીએ જ ઉતાર્યો હતો અને તેની એક બહેનપણીને જોવા માટે મોકલ્યો હતો. પરંતુ સમગ્ર ઘટનામાં ઉર્મિલાની સંડોવણી હોવાની શંકા જતા ફરિયાદ કરવામાં આવી છે.

  • Follow us on: