નાગલપુર, ખીમપાદર અને જૂનાગઢને જોડતો નદી પરનો પુલ હવે માત્ર એક માર્ગ નથી રહ્યો, પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે, આ પુલ હાલમાં ગંભીર રીતે બિસ્માર હાલતમાં છે અને ગ્રામજનો માટે જીવલેણ જોખમ બની રહ્યો છે. હદ તો ત્યાં છે કે, ચાર વર્ષ પહેલા જ પુલના કામ માટેનું ટેન્ડર મંજૂર થઈ ગયું હોવા છતાં, આજે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે પ્રચંડ આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે
ચોમાસામાં ભયંકર પૂરના કારણે પુલની બંને બાજુની રેલિંગ સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને રસ્તા પર સુરક્ષા માટે એક તણખલું પણ બચ્યું નથી, આ પુલની જર્જરિત અને નીચી સ્થિતિને કારણે ગ્રામજનોને સૌથી મોટી મુશ્કેલી ઇમરજન્સી અને બીમારીની પરિસ્થિતિમાં પડે છે. આ ગામનો એકમાત્ર રસ્તો છે. જો ગામમાં કોઈ વ્યક્તિ ગંભીર બીમાર હોય અને નદીમાં પાણી આવી જાય, તો તેને હોસ્પિટલ પહોંચાડવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.













